હોકી કેપ્ટન સરદારસિંહ પર શારીરિક શોષણ અને છેતરપિંડીનો આરોપ

લુધિયાણાઃ ભારતીય રમતજગતમાં ખળભળાટ મચી ગયો છે, એમાંય ભારતના હોકીપ્રેમીઓને જબરો આઘાત લાગ્યો છે, કારણ કે ભારતીય હોકી ટીમના કેપ્ટન સરદારસિંહ પર બળાત્કાર અને છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આ આરોપ સરદારસિંહની કહેવાતી મંગેતરે લગાવ્યો છે. લુધિયાણાના કુંબકલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ સરદારસિંહ પર લગ્નની લાલચ આપીને બળાત્કારનો આરોપ લગાવ્યો છે.

પીડિત મહિલા અને સરદારસિંહની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં ફરી રહી છે. બંને એકબીજાને લાંબા સમયથી જાણતાં હતાં. ફરિયાદ દાખલ કરાવનારી મહિલાએ ગત વર્ષે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સરદારસિંહ સાથે લગ્નની તારીખ નક્કી થઈ હોવાનો દાવો કર્યો હતો. આરોપ લગાવનારી મહિલા ભારતીય મૂળની બ્રિટિશ નાગરિક છે. હાલ આ મામલામાં સરદારસિંહ તરફથી કોઈ સ્પષ્ટતા આવી નથી.

એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં પીડિત છોકરીએ જણાવ્યું છે કે તે સરદારસિંહને લંડન ઓલિમ્પિક દરમિયાન મળી હતી અને કેટલાક દિવસો બાદ જ બંને એંગેજ થઈ ગયા હતા, જોકે કેટલાક દિવસથી અમારા સંબંધમાં તણાવ આવી ગયો હતો. પીડિત છોકરીનો દાવો છે કે સરદારસિંહે તેને એબોર્શન કરાવવા માટે પણ બ્લેકમેલ કરી હતી.

છોકરીએ જણાવ્યું, ”અમે લંડન ઓલિમ્પિક દરમિયાન મળ્યા અને ત્યાર બાદ અમે એકબીજાને ઓળખ્યા અને સમજ્યા. ત્યાર બાદ અમે એંગેજ થઈ ગયા. ૨૦૧૫માં હું પ્રેગ્નન્ટ થઈ. તેણે મને એબોર્શન કરાવવા માટે કહ્યું. ત્યાર બાદ કોઈની પણ મદદ વિના અને મારી મરજી વિરુદ્ધ એબોર્શન કરાવ્યું.” પીડિત છોકરીનો દાવો છે કે તે પોતાના દેશના દૂતાવાસના સંપર્કમાં છે અને તેઓએ મને પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી છે.

પીડિત છોકરીએ પોતાની ફરિયાદમાં એવો પણ દાવો કર્યો છે કે આ ખેલાડીએ તેને એબોર્શન બાદ તરછોડી દીધી હતી. છોકરીએ જણાવ્યું, ”તે મને નજરઅંદાજ કરતો હતો અને એ ઘટના બાદ તેણે મારી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેણે ઇમોશનલી, ફિઝિકલી અને મેન્ટલી મારું શોષણ કર્યું છે.”

You might also like