ભારતે ઈસ્લામાબાદથી આઠ રાજદ્વારીઓને પરત બોલાવ્યા

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધો હવે વણસ્યા છે. જાસૂસી મામલામાં પાકિસ્તાને નવી દિલ્હી સ્થિત પોતાના હાઈ કમિશનના છ કર્મચારીને પરત બોલાવી લીધા છે તેના જવાબમાં ભારતે પણ ઈસ્લામાબાદથી પોતાના આઠ રાજદ્વારીને પરત બોલાવી લીધા છે, કારણ કે તેમની સુરક્ષા સાથે સંપૂર્ણપણે બાંધછોડ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જાસૂસી પ્રકરણમાં પાકિસ્તાન હાઈકમિશનના કર્મચારી મહેમૂદ અખતરને ભારતે દેશ નિકાલ કર્યો હતો. પાકિસ્તાની હાઈ કમિશનના જે છ અધિકારીએ ભારત છોડી દીધું છે તેમાં ચાર વરિષ્ઠ રાજદ્વારીનો સમાવેશ થાય છે. ભારતીય વિદેશ મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત પણ ઈસ્લામાબાદથી પોતાના આઠ રાજદ્વારીઓને પરત બોલાવી રહ્યા છે, કારણ કે તેમના નામ અને તસવીરો ત્યાંના મીડિયામાં પ્રસિદ્ધ અને પ્રસારિત થયા છે.

પાકિસ્તાન હાઈકમિશનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત છોડી ચૂકેલા અધિકારીઓમાં વાણિજ્યિક રાજદૂત સૈયદ હબીબ અને પ્રથમ સચિવ ખાદીમાં હુસેન, મુદ્દસર સીમા અને શાહિદ ઈકબાલનો સમાવેશ થાય છે. મહેમૂદ અખતરે આ અધિકારીઓના નામ જાસૂસી પ્રકરણમાં પૂછપરછ દરમિયાન જણાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્તમાન ખરાબ સ્થિતિમાં અધિકારીઓ માટે કામ કરવાનું અશક્ય બન્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.તેમણે જણાવ્યું છે કે ભારત સરકાર અમારા રાજદ્વારીઓને ધમકાવી રહી છે અને બ્લેકમેલ કરી રહી છે.

You might also like