ભારતને આત્મરક્ષાનો પૂરો અધિકાર, અમે સાથે જ છીએ: અમેરિકાનો સંદેશ

(એજન્સી) વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જોન બોલ્ટને જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી આતંકી હુમલા અંગે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને ફોન કરીને જણાવ્યું છે કે, આતંકવાદનો સામનો કરવામાં અમેરિકા ભારતની સાથે જ ઊભું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે બોલ્ટને એનએસએ ડોભાલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે આતંકવાદ સામેની આ લડાઈમાં ભારત સાથે રહેવાના અને દોષીઓને આ હુમલાની સજા આપવાનું આશ્વાસન પણ આપ્યું હતું.

બોલ્ટને ડોભાલ સાથે બે વખત ફોન પર વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, આતંકવાદના મુદ્દે અમારો અભિપ્રાય એકદમ સ્પષ્ટ છે અને અમે પાકિસ્તાનની સાથે પણ વાતચીત કરી રહ્યા છીએ. પુલવામા હુમલાના અપરાધીઓ અને સમર્થકોને જવાબદાર ઠેરવવા જ જોઈએ. ભારત પાસે પોતાની આત્મરક્ષા કરવાનો અધિકાર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ગુરુવારે આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ૪૦ જવાન શહીદ થયા હતા અને અનેક જવાન ઘાયલ થયા હતા. પુલવામામાં થયેલા આ આતંકી હુમલાને ધ્યનમાં રાખીને અમેરિકાએ એક ટ્રાવેલ એડ્વાઈઝરી જારી કરી છે, જેમાં અમેરિકન નાગરિકોને જણાવાયું છે કે, આતંકવાદના કારણે તેઓ પાકિસ્તાન જતાં પહેલાં વિચાર કરે.

આ અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને તમામ આતંકી જૂથોને મદદ અને આશરો આપવાનું તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું. ટ્રમ્પના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકાએ પાકિસ્તાનને સાફ જણાવી દીધું છે કે, તે તેની જમીનથી સંચાલિત તમામ આતંકી જૂથોને મદદ કે આશરો આપવાનું તાત્કાલિક ધોરણે બંધ કરી દે કેમ કે સમગ્ર ક્ષેત્રમાં હિંસા અને આતંકનાં બીજ વાવવાનું જ એ લોકોનું લક્ષ્યાંક છે.

You might also like