વૈશ્વિક ઊથલપાથલ ભારતીય અર્થવ્યવસ્થા માટે ચેલેન્જરૂપઃ મૂડીઝ

મુંબઇ: વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલી મોટી ઊથલપાથલ ભારતીય અર્થવ્યવસ્થા સામે સૌથી મોટી ચેલેન્જ છે, જેમાં અમેરિકામાં વ્યાજના દરમાં વૃદ્ધિ અને ચીનમાં જોવા મળી રહેલી મંદી છે. આ જોખમ પાછલા એક વર્ષથી ઊંચું છે. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝના એક સર્વેમાં જણાવ્યા પ્રમાણે એક અંદાજ મુજબ ૭૫ ટકા લોકોનું માનવું છે કે ભારતનો ઇકોનોમી ગ્રોથ રેટ આગામી બારથી અઢાર મહિનામાં ૬.૫થી ૭.૫ ટકાની વચ્ચે રહેવાની સંભાવના છે.

સર્વેમાં ૩૫ ટકા લોકોનું માનવું છે કે વૈશ્વિક સ્તરે જોવા મળી રહેલી અફરાતફરી ભારત માટે એક મોટી ચેલેન્જ છે. આ મહિનાની શરૂઆતમાં રેટિંગ એજન્સીએ આ પ્રકારનો સર્વે કર્યો છે. દરમિયાન પાછલા વર્ષે મે મહિનામાં રેટિંગ એજન્સી દ્વારા કરાયેલા આ પ્રકારના સર્વેમાં માત્ર ૧૦ ટકા લોકોનું માનવું હતું કે વૈશ્વિક અફરાતફરી દેશ માટે ચેલેન્જ છે. તાજેતરમાં કરાયેલા સર્વેમાં ૩૨ ટકા લોકોનું એવું માનવું છે કે આર્થિક સુધારાની ગતિ ધીમી છે, જ્યારે ૧૯ ટકા લોકોનું માનવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નરમાઇ વિકાસ માટે બાધારૂપ છે. મૂડીઝે જાહેર કરેલા રિપોર્ટમાં કહ્યું છે કે ભારતના આર્થિક વિકાસની સંભાવનાઓને લઇને લોકો આશાવાદી છે.

You might also like