અમેરિકાએ ચાબહાર બંદરના વિકાસ માટે ભારતને કેટલીક છૂટ આપી

વોશિંગ્ટન: અમેરિકાએ ઇરાનમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એવા ચાબહાર પોર્ટના વિકાસ માટે ભારતને કેટલીક શરતો સાથે પ્રતિબંધમાંથી છૂટ આપી છે. આ છૂટમાં ચાબહાર પોર્ટને અફઘાનિસ્તાન સાથે જોડતી રેલવે લાઇનના નિર્માણનો પણ સમાવેશ થાય છે.

અમેરિકન વિદેશ વિભાગના પ્રવકતાએ જણાવ્યું હતું કે સઘન ચર્ચા-વિચારણા કર્યા બાદ વિદેશ મંત્રીએ ચાબહાર પોર્ટના વિકાસ, અફઘાનિસ્તાનમાં ઉપયોગમાં આવનાર બિન પ્રતિબંધિત વસ્તુઓના પરિવહન માટે સંબંધિત રેલવે લાઇનના નિર્માણની સાથે સાથે ઇરાનની પેટ્રોલિયમ પ્રોડકટસની આયાતથી ઇરાન ફ્રીડમ એન્ડ કાઉન્ટ પ્રોલિફરેશન એકટ ર૦૧ર હેઠળ ભારતને કેટલાક પ્રતિબંધોમાંથી રાહત અને છૂટ આપી છે.

અમેરિકાએ પ નવેમ્બરના રોજ ઇરાનને તેના વર્તાવમાં બદલાવ લાવવાના હેતુથી અત્યાર સુધીના સૌથી કડક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી હતી.

ઇરાનના બેન્કિંગ અને ઊર્જા ક્ષેત્ર પ્રતિબંધોના દાયરામાં આવી ચૂકયા છે. લાદવામાં આવેલ પ્રતિબંધ અનુસાર ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનાર યુરોપીયન, એશિયન અને અન્ય દેશો તથા કંપનીઓ પર પેનલ્ટીની જોગવાઇ કરવામાં આવી છે.

જોકે વિદેશ મંત્રી માઇક પોમ્પીયોએ જણાવ્યું હતું કે આઠ દેશ- ભારત, ચીન, ઇટાલી, ગ્રીસ, જાપાન, દ‌િક્ષણ કોરિયા, તાઇવાન અને તુર્કીને ઇરાન પાસેથી તેલ આયાતની હંગામી છૂટ આપી છે.

You might also like