ભારતનું ફોરેક્સ રિઝર્વ વધીને ૩૬૩.૮ અબજ ડોલરની વિક્રમી ઊંચાઈએ

મુંબઇ: બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ થવાના મામલે દુનિયાભરના અર્થતંત્રમાં હાહાકાર મચી ગયો છે, પરંતુ ભારતની સ્થિતિ ખાસ કરીને ફોરેન એક્સચેન્જ રિઝર્વની દૃષ્ટિએ મજબૂત હોવાનું નિષ્ણાતો જણાવે છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે દેશનું ફોરેક્સ રિઝર્વ ૧૭ જૂને સમાપ્ત થયેલા સપ્તાહમાં ૫૯.૨૧ કરોડ ડોલર વધીને ૩૬૩.૮ અબજ ડોલરની વિક્રમી ઊંચાઇએ પહોંચી ગયું છે. ખાસ કરીને બ્રેક્ઝિટની અસરના પગલે ડોલર સામે પાઉન્ડ ગગડી જતાં અને ડોલર ઊંચો જતાં ભારતનું ફોરેક્સ રિઝર્વ પણ ઘણું બધું વધી ગયું છે.

ગત સપ્તાહે દેશનું ફોરેક્સ રિઝર્વ ૨૩.૧ કરોડ ડોલરથી ઘટીને ૩૬૩.૨ અબજ ડોલર રહ્યું હતું, પરંતુ હવે બ્રેક્ઝિટ અસરના કારણે હજુ પણ ફોરેક્સ રિઝર્વ વધી જશે. ડોલર મજબૂત થવાની ધારણા પર દેશના ફોરેક્સ રિઝર્વ માટે ખૂબ જ રાહતરૂપ સમાચાર છે. નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક બજારમાં જ્યારે પણ ઊથલપાથલ મચી જાય છે ત્યારે રોકાણકારોમાં અમેરિકન ડોલર કે સોનું ખરીદવા માટે હોડ મચી જાય છે અને આ સંજોગોમાં ડોલરની કિંમત ગગનચુંબી ઊંચાઇએ પહોંચે છે. આ સ્થિતિમાં ભારત પાસે ડોલરનો આટલો મોટો ભંડાર હોવાના સમાચાર ખાસ કરીને બ્રેક્ઝિટની અસર નાકામિયાબ બનાવવા માટે ખૂબ જ સારા છે.

૩ જૂન, ૨૦૧૬ના રોજ સમાપ્ત થયેલ સપ્તાહમાં પણ ફોરેક્સ રિઝર્વ ૩૬૩.૫ અબજ ડોલરની રેકોર્ડ ઊંચાઇએ પહોંચી ગયું હતું. રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે સમીક્ષા હેઠળ સપ્તાહમાં કુલ ફોરેક્સ રિઝર્વ વધવાનું કારણ હવે બ્રેક્ઝિટ પુરવાર થશે, કારણ કે પાઉન્ડ ગગડવાથી ડોલરમાં સુધારો થશે, જેની સીધી અસર ભારતના ફોરેક્સ રિઝર્વ પર થશે.

You might also like