દેશમાં પ્રથમ વાર મહિલાઓની મિલિટરી પોલીસમાં સીધી ભરતી

નવી દિલ્હી: દેશના સંરક્ષણ મંત્રાલયનો કાર્યભાર પ્રથમ પૂર્ણકાલીન મહિલા સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને સંભાળ્યાના એક દિવસ બાદ જ મિલિટરી પોલીસમાં મહિલાઓની ભરતી અને તહેનાતીની જાહેરાત કરવામાં આવી છે. હવે પ્રથમ વાર એવું થશે કે મહિલાઓની તહેનાતી સેનાના નીચલા સ્તરે કરવામાં આવશે. અત્યાર સુધી મહિલાઓ સેનામાં ઓફિસર રેન્ક પર તહેનાત કરવામાં આવતી હતી, પરંતુ હવે સિપાઇ તરીકે પ્રથમ વાર મહિલાઓની ભરતી થશે.

આર્મીના જણાવ્યા પ્રમાણે મિલિટરી પોલીસ કોરમાં ૮૦૦ મ‌હિલાઓની ભરતી કરવામાં આવશે. આ માટે પ્રતિવર્ષ બાવન મહિલાઓની ભરતી કરાશે. માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર આર્મીમાં મહિલાઓ કોમ્બેટ રોલ એટલે કે લડાયક ભૂમિકા ભજવશે, કારણ કે વાયુદળમાં મહિલાઓને કોમ્બેટ રોલ આપવામાં આવ્યો છે અને હવે તેઓ ટૂંક સમયમાં ટ્રેનિંગ પૂરી કરીને ફાઇટર વિમાનો ઉડાડવા માટે તૈયાર છે.

જોકે આર્મી અને નૌકાદળમાં અત્યાર સુધી મહિલાઓને સીધું યુદ્ધ લડવાની ભૂમિકા આપવામાં આવી નહોતી, પરંતુ હવે આર્મીની મિલિટરી પોલીસમાં મહિલાઓની ભરતી તેમના માટે સીધા યુદ્ધમેદાનમાં ઊતરવાનો માર્ગ મોકળો કરશે. લશ્કરની મિલિટરી પોલીસ કોરનું રેજિમેન્ટલ સેન્ટર બેંગલુરુમાં છે, તેમાં જવાનોની સીધી ભરતી કરવામાં આવે છે. જ્યારે અધિકારી લશ્કરની અલગ અલગ રેજિમેન્ટમાંથી આવે છે.

You might also like