બે ટેસ્ટ માટે મુરલી-કુલદીપના સ્થાને પૃથ્વી શો અને હનુમા ટીમમાં સામેલ

મુંબઈઃ બીસીસીઆઇની પસંદગી સમિતિએ ગઈ કાલે ઈંગ્લેન્ડ સામે બાકીની બંને ટેસ્ટ મેચ માટે પૃથ્વી શો અને હનુમા વિહારીને ટીમમાં સામેલ કર્યા છે. પૃથ્વી શોને મુરલી વિજયના સ્થાને અને હનુમા વિહારીને ચાઇનામેન બોલર કુલદીપ યાદવના સ્થાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

મુરલી વિજય ફોર્મમાં નહોતો, જ્યારે પૃથ્વી શો ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. હનુમાએ પણ ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનનો ફાયદો મળ્યો છે. કુલદીપને લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં રમાડવામાં આવ્યો હતો, પરંતુ તે કોઈ પ્રભાવ પાડી શક્યો નહોતો.

ઈંગ્લેન્ડની ફાસ્ટ બોલરને અનુકૂળ પીચના કારણે બીસીસીઆઇએ એક વધારાના સ્પિનરના સ્થાને એક બેટ્સમેનને ટીમમાં સામેલ કર્યો છે. શિખર ધવન અને કે. એલ. રાહુલની ઓપનિંગ જોડી ઈંગ્લેન્ડના બોલર્સ પર દબાણ સર્જવામાં સફળ રહી છે.

આ સ્થિતિમાં તામિલનાડુના ૩૪ વર્ષીય ઓપનર વિજયને ટીમની બહાર કરી દેવામાં આવ્યો છે. ભારત હાલ પાંચ ટેસ્ટની શ્રેણીમાં ૧-૨થી પાછળ છે. ઇગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ ૩૦ ઓગસ્ટથી અને પાંચમી ટેસ્ટ કૈનિંગ્ટન ઓવલ ખાતે સાતમી સપ્ટેમ્બરથી રમાવાની છે.

ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, કરુણ નાયર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા, મોહંમદ શામી, ઉમેશ યાદવ, જસપ્રીત બૂમરાહ, શાર્દૂલ ઠાકુર, હનુમા વિહારી.

You might also like