ભારતમાં ડુપ્લિકેટ બ્રાન્ડ્સ માટે જાણીતાં બજાર

લિંકિંગ રોડ, બાંદ્રા, મુંબઈ
લિન્ક રોડ કે લિંકિંગ રોડ તરીકે ઓળખાતા આ બજારમાં સ્ટ્રીટ શોપ આવેલી છે. જેમાં વિવિધ પ્રકારના ગારમેન્ટ તેમજ એક્સેસરીઝ સસ્તા ભાવે મળી રહે છે. અહીં લક્ઝુરિયસ બ્રાન્ડ્સની ફર્સ્ટ કોપી પણ મળી રહે છે. જોકે આવી બ્રાન્ડ્સની ફર્સ્ટ કોપી ડિસ્પ્લેમાં મૂકવામાં નથી આવતી. ગ્રાહક જ્યારે ફર્સ્ટ કોપીની માગણી કરે ત્યારે તેને આ કલેક્શન બતાવવામાં આવે છે.

ફેશન સ્ટ્રીટ, ચર્ચગેટ , મુંબઈ
મુંબઈનું ફેશન સ્ટ્રીટ બજાર ડુપ્લિકેટ બ્રાન્ડેડ કપડાં માટે જાણીતું છે. ગારમેન્ટની લગભગ તમામ બ્રાન્ડ્સની ફર્સ્ટ કોપી અહીં મળી રહે છે. જોકે અહીં ગ્રાહકને જે-તે વસ્તુનો ભાવ વધારે જ કહેવામાં આવે છે. તેથી ભાવતાલ કરી શકતા લોકો અહીં ઓછા પૈસાએ બ્રાન્ડેડ જેવાં લાગતાં કપડાં આસાનીથી ખરીદી શકે છે.

ગફાર માર્કેટ, દિલ્હી
ભારતનું પાટનગર જેમ દિલ્હી છે તેમ દિલ્હીનું ગફાર માર્કેટ દેશમાં ફર્સ્ટ કોપી પ્રોડક્ટ્સનું પાટનગર ગણી શકાય. જાણીતી બ્રાન્ડ્સથી લઈ લક્ઝુરિયસ બ્રાન્ડનાં કપડાંની ફર્સ્ટ કોપી અહીં ઉપલબ્ધ છે. માત્ર કપડાં અને એક્સેસરીઝ જ નહીં, ઈલેક્ટ્રોનિક આઈટમ્સની ફર્સ્ટ કોપી પણ અહીં મળી રહે છે.

હીરા-પન્ના, હાજી અલી, મુંબઈ
મુંબઈના હાજી અલી નજીક આવેલું હીરા-પન્ના માર્કેટ લક્ઝુરિયસ ઘડિયાળ, પરફ્યૂમ અને શૂઝની ફર્સ્ટ કોપી માટે જાણીતું છે. આ વસ્તુઓ સિવાય કેટલાક એન્ટિક નમૂના પણ અહીં મળી રહે છે.

ન્યૂ માર્કેટ, કોલકાતા
કોલકાતાની ન્યૂ માર્કેટ પણ ડુપ્લિકેટ બ્રાન્ડના વેચાણમાં ખ્યાતનામ છે. પૂર્વ ભારત તેમજ ઈશાન ભારતના મોટાભાગના લોકો માટે ખરીદીનો વિકલ્પ કોલકાતા હોવાથી અહીં ઘણી ખ્યાતનામ બ્રાન્ડ્સની ફર્સ્ટ કોપી આસાનીથી મળી રહે છે.

બ્રિગેડ રોડ, બેંગલુરુ
બેંગલુરુનો બ્રિગેડ રોડ વિવિધ લક્ઝુરિયસ બ્રાન્ડનાં કપડાં, ઘડિયાળ તેમજ ઈલેક્ટ્રોનિક આઈટમ્સના વેચાણ માટે જાણીતો છે. આઈટી ઉદ્યોગના ફેલાવાના કારણે વિવિધ રાજ્યોમાંથી આવતા લોકોના વસવાટના કારણે હવે અહીં વિવિધ બ્રાન્ડની ફર્સ્ટ કોપી માલની સંખ્યા પણ વધી છે.

You might also like