ભારત ડોકલામથી પીછેહઠ નહીં કરે તો કાશ્મીરમાં દખલગીરી કરાશેઃ ચીન

બીજિંગ: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ બે દિવસના ચીનના પ્રવાસે ગયા છે ત્યારે ચીને ફરી એક વાર ભારતને ધમકી આપતાં જણાવ્યું છે કે જો ભારત ડોકલામથી પીછેહઠ નહિ કરે તો તે જમ્મુ-કાશ્મીરના મામલે પણ દરમિયાનગીરી કરશે. તે રીતે ચીને આડકતરી રીતે પાકિસ્તાનની સાથે રહેવા ભારતને ધમકી આપી છે.

છેલ્લા એક માસથી ભારત અને ચીન વચ્ચે ડોકલામ સરહદ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે એનએસએ અજિત ડોભાલ ગઈ કાલથી બે દિવસના ચીનના પ્રવાસે ગયા છે અને આજે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિન‌િપંગ સાથે મુલાકાત લેવાના છે ત્યારે બીજી તરફ ચીને ભારતને આવી ધમકી આપી છે. તેથી આ મુલાકાતમાં આ મામલે ચર્ચા થાય તેવી સંભાવના છે, જોકે આ અગાઉ પણ ચીન ભારતને કાશ્મીર મુદ્દે દખલગીરી કરવાની ધમકી આપી ચૂક્યું છે. તેમ છતાં ચીન એવો દાવો કરી રહ્યું છે કે ભારત ચીન અને ભુતાન વચ્ચેના મામલે ત્રીજા પક્ષ તરીકે દખલગીરી કરી રહ્યું છે અને જો ભારત આવી હરકત બંધ નહિ કરે તો પાકિસ્તાનની અપીલથી ચીન પણ કાશ્મીર મામલે દખલગીરી કરવાનું ચાલુ કરશે. આ ઉપરાંત ચીને એવી પણ દલીલ કરી છે કે ભુતાન તરફથી ભારતનો સહકાર નહિ માગવા છતાં ભારત આ મામલે કૂદી પડ્યું છે. તેથી હવે ચીન પણ શાંત બેસી નહિ રહે. જો ભારત શાનમાં નહિ સમજે તો ચીન કાશ્મીરના મામલે પાકિસ્તાનને સાથ આપતાં નહિ અચકાય તેવી ગર્ભિત ધમકી આપી છે. તેથી આ મુદ્દે વિવાદ વધુ વકરે તેવી સંભાવના જણાઈ રહી છે.

ચીની મીડિયાએ બળતામાં ઘી હોમ્યું
છેલ્લા એક માસથી ભારત અને ચીન વચ્ચે ડોકલામ સરહદ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ મામલે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે પણ બળતામાં ઘી હોમવાનું કામ કરી ફરી એક વાર ડોકલામને લગતો અહેવાલ રજૂ કરતાં જણાવ્યું છે કે ચીન ડોકલામ મુદ્દે ભારત સાથે કોઈ જ સમજૂતી કરવા માગતું નથી તેમજ લેખમાં એમ પણ જણાવાયું છે કે ડોભાલ ભલે ચીનની મુલાકાતે આવ્યા હોય પણ તેનાથી ચીનના વલણમાં કોઈ ફેરફાર નહિ થાય. અખબારમાં જણાવવામાં આવ્યું છે કે જો ભારત ડોકલામ મુદ્દે તેનું વલણ નહિ બદલે તો ચીન પણ ભારત સાથે શાંતિ સ્થપાય તે માટે સંમત નહિ થાય.

અત્રે ઉલ્લેખનીય છે કે ચીન અને ભારત વચ્ચે સરહદને લઈ એક માસ કરતાં વધુ સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ અગાઉ પણ ભાજપ સરકારના ત્રણ પ્રધાન ચીન ગયા હતા, પરંતુ ચીન સરકાર તરફથી આ મામલે કોઈ જ હકારાત્મક પ્રતિભાવ મળ્યો ન હતો અને આજે આ મામલે બંને દેશ તરફથી દરરોજ નવાં નવાં નિવેદન અને આક્ષેપબાજી થઈ રહી છે.
http://sambhaavnews.com/

You might also like