હવે દુશ્મનની ખેર નથીઃ ભારતના ભાથામાં INS અરિહંત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા મુજબ અરિહંતનો અર્થ થાય છે-દુશ્મનને ખતમ કરી દેવા. દેશની પ્રથમ અણુ સબમરીન આઇએનએસ અરિહંત દ્વારા આ અર્થ ખરા અર્થમાં ચરિતાર્થ થશે. આ એક એવી અણુ સબમરીન છે, જે આપણી સેેનાને જળ, સ્થળ અને વાયુથી પરમાણુ હુમલા કરવા સક્ષમ બનાવશે.

આમ, હવે આઇએનએસ સબમરીનથી દુશ્મનની ખેર નથી. આ સબમરીન ૩પ૦૦ કિમી દૂરથી દુશ્મનને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. પીએમ મોદીએ તાજેતરમાં ધનતેરસના શુભ દિવસે આ આઇએનએસ સબમરીન રાષ્ટ્રને સમર્પિત કરીને ભારતને એક અણમોલ દિવાળીની ભેટ આપી હતી, જેના પર ભારત ખરેખર ગર્વ લઇ શકે છે અને તેના દ્વારા દેશની સુરક્ષા વધુ મજબૂત થશે. આ ખરેખર આપણા રાષ્ટ્ર માટે મોટી સિદ્ધિ અને ઉપલબ્ધિ છે.

હવે ભારતનાં દુશ્મન રાષ્ટ્ર અને શાંતિના શત્રુઓને ભારતનો ખુલ્લેઆમ પડકાર છે કે હવે અમારી પાસે આઇએનએસ અરિહંત પરમાણુ સબમરીન આવી ગઇ છે અને તેથી ભૂલેચૂકેય અમારા પર કોઇ દુઃસાહસ કરવાની કોશિશ કરશો નહીં, કારણ કે આ સબમરીન પાણી, આકાશ અને જમીન પરથી હુમલા કરવા માટે સક્ષમ છે અને માટે જ તેને ન્યુક્લિયર ટ્રાયડ એવું નામ આપવામાં આવ્યું છે, જેનો અર્થ ત્રણેય સ્તરની સુરક્ષા એવોથાય છે.

ભારતમાં બનાવવામાં આવેલી પહેલી અણુ સબમરીન આઇએનએસ અરિહંતે તાજેતરમાં તેનું પહેલું સફળ પેટ્રોલિંગ અભિયાન પૂરું કર્યું હતું. આ સબમરીનની ખાસિયત એ છે કે તે જળમાં હુમલા માટે પણ પરમાણુ હથિયારો સાથે સજ્જ હશે, અગાઉ જે પણ સબમરીન હતી તેમાં આ સુવિધા ઉપલબ્ધ નહોતી.

આઇએનએસ અરિહંતના કારણે હવે ભારત સમુદ્રમાં પણ ચીન જેવા દેશોના હુમલાનો સામનો કરવા માટે સજ્જ થઇ ગયું છે. આઇએનએસ અરિહંત સબમરીનનું વજન ૬૦૦૦ ટન છે. આઇએનએસ અરિહંત હવે કોઇ પણ ઓપરેશન માટે તૈયાર છે.

આ સબમરીનમાં મિસાઇલ પણ સામેલ કરવામાં આવી છે, જેની ક્ષમતા ૭૫૦ કિમી અને ૩૫૦૦ કિમી છે એટલે કે સમુદ્રમાં પણ જો કોઇ દુશ્મન દેશની સબમરીનને તોડી પાડવી હોય તો આ સબમરીન હુમલા માટે સક્ષમ છે. ૧૫ જેટલી મિસાઇલ ૭૫૦ કિમી સુધી હુમલો કરી શકશે, જ્યારે ૪ બે‌િલસ્ટિક મિસાઇલ ૩૫૦૦ કિમી સુધી હુમલો કરી શકે તે રીતે તૈયાર કરવામાં આવી છે.

આઇએનએસ અરિહંતને ભારત માટે મહત્ત્વની ગણાવતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત કોઈને છેડતું નથી પણ જો કોઈ ભારતને છેડે તો તેને છોડતું નથી. અણુશસ્ત્રો આપણા માટે સુરક્ષાનાં સાધન છે. આપણે કોઈના પર આક્રમણ કરવામાં માનતા નથી. આપણા માટે અને વિશ્વ માટે શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે પરમાણુ ક્ષમતા ઘણી મહત્ત્વની છે.

વિશ્વશાંતિમાં ભારતનું યોગદાન મહત્ત્વનું છે. ભારત એક જવાબદાર પરમાણુ શસ્ત્ર ધરાવતો દેશ છે. આઈએનએસ અરિહંત હવામાં, પાણીમાં અને જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. ચીન સહિત અનેક દેશો તેની પ્રહાર રેન્જમાં આવી ગયા છે. ભારત જમીનથી પ્રહાર કરનાર અગ્નિ મિસાઈલ્સ ઘણા લાંબા સમયથી ધરાવે છે.

આ ઉપરાંત અરિહંત અણુશસ્ત્રો લઈ જનાર ફાઇટર જેટ પણ ધરાવે છે. પાણીમાંથી અણુહુમલો કરવાની ખોટ હવે સબમરીન અરિહંત પૂરી કરશે. મોદીએ ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું કે પાડોશી દેશો પરમાણુ શસ્ત્રો ધરાવે છે ત્યારે અરિહંત દ્વારા આપણે પણ પરમાણુ હુમલાનો સામનો કરી શકીશું.

ન્યુક્લિયર ટ્રાયેન્ગલને ભારત જે રીતે ધરાવતો થયું છે તે પ્રસંગે મોદીએ પૂર્વ પીએમ વાજપેયી અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ આઝાદને યાદ કર્યા હતા. આઇએનએસ અરિહંત ઉપરાંત હવે બીજી સબમરીન આઇએનએસ અરિધમાન પણ તૈયાર થઇ ચૂકી છે અને તેની ડિલિવરી આગામી વર્ષે થઇ જશેે.

સબમરીનની રેસમાં હવે ભારત અમેરિકા, યુકે, ફ્રાન્સ અને રશિયાની હરોળમાં આવી ગયું છે. પરમાણુ સબમરીન માટે ભારતે ૧૯૭૦થી પ્રયાસો શરૂ કરી દીધા હતા, જોકે તેનું નિર્માણ ૧૯૯૦ના દાયકામાં શરૂ થયું હતું. આઇએનએસ અરિહંત એવા વિસ્તારમાં તહેનાત કરવામાં આવશે, જ્યાંથી દુશ્મનો અણુ હુમલો કરવાની ધમકી આપતા હોય. ભારત અટકવાનું નથી. હજુ અરિહંત જેવી બીજી છ સબમરીન બનાવવાની તૈૈયારીમાં છે.

You might also like