ભારતમાં રૂ. ૯.૯ લાખ કરોડનું ગેરકાનૂની ક્રિકેટ બેટિંગ માર્કેટ

નવી દિલ્હી: ભારતમાં ગેરકાનૂની બેટિંગ માર્કેટ ૧પ૦ બિલિયન ડોલર એટલે કે રૂ.૯.૯ લાખ કરોડનું વાર્ષિક છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમ રમતી હોય એવા દરેક વનડે ઇન્ટરનેશનલ મેચ પાછળ ર૦૦ મિલિયન ડોલરનો સટ્ટો રમાતો હોય છે તેવું સ્પોર્ટસમાં એકતા અને સિકયુરિટીને પ્રોત્સાહન આપતા દોહા સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્પોર્ટસ સિકયુરિટીએ જણાવ્યું છે.

અત્રે એ નોંધનીય છે કે, તાજેતરમાં જસ્ટિસ લોઢા કમિટીએ સોમવારે સુપ્રીમ કોર્ટને સુપ્રત કરેલા રિપોર્ટમાં સૂચન કર્યું હતું કે, ક્રિકેટને સ્વચ્છ બનાવવા માટે સટ્ટાને કાનૂની વાઘા પહેરાવવા જોઇએ. જો કે મેચ ફિક્સિંગને ક્રાઇમ ગણવા તેઓએ ભલામણ કરી હતી.

ભારતમાં ઘોડાની રેસિંગને જ કાનૂની માન્યતા આપવામાં આવી છે. જે લોકો બેટિંગ કરતા હોય છે તેઓ અન્ડર ગ્રાઉન્ડમાં રહીને પોતાની પ્રવૃતિ કરતા હોય છે. ગેરકાનૂની બેટિંગને કારણે હવાલા અને મની લોન્ડરિંગના કેસ પણ બનવા પામતા હોય છે.

કમિટીએ એવો અંદાજ કાઢયો છે કે, ગ્લોબલ લીગલ સ્પોર્ટસ બેટિંગ માર્કેટ ૪૦૦ ડોલરથી પણ વધુનું છે પરંતુ દોહા ખાતે એપ્રિલ ૨૦૧૫માં યોજાયેલી યુનોની કોન્ફરન્સમાં નિષ્ણાંતોએ કહ્યુ છે કે, તે ચાર ટ્રીલિયન ડોલર હોઇ શકે છે. ભારતમાં હોર્સ રેસિંગ બેટિંગ માટે કાનૂની છે. કેટલાક રાજયોમાં લોટરીને પણ માન્યતા આપવામાં આવી છે.

ફિક્કીએ કહ્યું છે કે, જો ક્રિકેટ બેટિંગને કાનૂની સ્વરૂપ અપાય તો સરકારને દર વર્ષે રૂ.૧ર,૦૦૦ કરોડથી રૂ.૧૯,૦૦૦ કરોડની આવક મળી શકે છે. બેટિંગમાંથી મળેલી આવકનો ઉપયોગ અન્ય સ્પોર્ટસના ઇન્ફ્રાસ્ટ્રકચર અને પ્રવાસીઓની સુવિધા પાછળ થઇ શકે છે. ઓનલાઇન બેટિંગ પણ વધી રહ્યું છે તેને પકડવુ ઘણું સહેલું છે. તેને લીગલ સ્ટેટસ છે કે નહીં? તે સ્પષ્ટ નથી પરંતુ ઓનલાઇન બેટિંગ માટે હજુ સુધી કોઇની ધરપકડ થઇ નથી કે કેસ થયો નથી.

યુકે સ્થિત બેટિંગ એડા વેબસાઇટનું કહેવુ છે કે, અમે ક્રિકેટમાં સ્પોર્ટસ બેટિંગમાં મદદ આપવા તૈયાર છીએ. અમે વિશ્વભરના પંટરોની મદદ કરવા તૈયાર છીએ. અમને દર મહિને ભારતમાંથી પ૦૦૦ નવા રજિસ્ટ્રેશન અને પ લાખ વિઝીટર્સ મળી રહ્યા છે.

You might also like