દેશનાં તમામ બસસ્ટેન્ડ આધુનિક બનાવાશે

નવી દિલ્હી: મોદી સરકાર હવે દેશનાં તમામ બસસ્ટેન્ડને આધુનિક બનાવવાની દિશામાં કામ કરી રહી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા તેનો ડ્રાફટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માટે મંત્રાલય દ્વારા તમામ રાજ્ય સાથે પરામર્શ કરવામાં આવશે. પરિવહન પ્રધાન ની‌િતન ગડકરીની અધ્યક્ષતામાં ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (ટીડીસી)ની બેઠકમાં આ મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

મોદી સરકારના કાર્યકાળમાં ટીડીસીની બીજી બેઠક રર ફેબ્રુઆરીના રોજ યોજાશે. આ બેઠકમાં કેન્દ્ર ઉપરાંત તમામ રાજ્યના પ‌રિવહન અને પીડબ્લ્યુડી પ્રધાનો હાજર રહેશે. આ બેઠકને અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મંત્રાલય સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યા પ્રમાણે તા.રરના રોજ યોજાનારી આ બેઠકમાં દેશના તમામ બસ ટર્મિનલોનું આધુનિકીકરણ કરવા અંગે વિચારણા કરવામાં આવશે.

મંત્રાલયનો પ્રસ્તાવ છે કે બસ ટર્મિનલો ખાનગી-જાહેર ભાગીદારી (પીપીપી)ના ધોરણે આધુનિક બનાવવામાં આવે કે જેથી રાજ્યને નાણાં ભંડોળની મુશ્કેલી ન પડે. તમામ રાજ્ય આ માટે સંમત થશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે.

You might also like