ભ્રષ્ટાચાર નાબુદી પ્રયાસઃ ભારત ચીનથી આગળ

નવી દિલ્હી/મુંબઈ: દેશમાં ભલે ભ્રષ્ટાચાર વિરુદ્ઘ લોકોમાં આક્રોશ ભભૂકી રહ્યો હોય, અને ભ્રષ્ટાચારને જ મુદ્દો બનાવીને કેન્દ્રમાં સતા પરિવર્તન પણ થયું હોય, પરંતુ હકીકત એ છે કે, ભારતમાં ભ્રષ્ટાચાર જરાય ઓછો નથી થયો. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવતા રિપોર્ટમાં ભારતને ૧૦૦માંથી ૩૮ પોઈન્ટ્સ મળ્યા છે. જેટલા ઓછા પોઈન્ટ્સ તેટલું વધારે કરપ્શન. આ પોઈન્ટ્સ સાથે ભારતને ૨૦૧૫ વર્ષમાં દુનિયામાં ૭૬મું સ્થાન પ્રાપ્ત થયું છે. ગયા વર્ષે તેનું સ્થાન ૮પ  હતું, ગયા વર્ષે ૧૬૮ દેશો હતા, જે આ વર્ષે ૧૭૪ હતા.

ભ્રષ્ટાચાર કરવામાં ભારત પોતાના ટચૂકડા પાડોશી દેશ ભૂતાન કરતાં પણ આગળ છે. ભૂતાનને આ યાદીમાં ૬૫ પોઈન્ટ્સ સાથે ૨૭માં સ્થાન મળ્યું છે. જયારે અન્ય પાડોશી દેશોની વાત કરીએ તો, ચીન ૮૩માં નંબરે છે, અને બાંગ્લાદેશનો ક્રમ છેક ૧૩૯મો આવે છે. આમ, આ બંને દેશોમાં ભારત કરતાં ભ્રષ્ટાચાર વધારે છે. જયારે, પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું હોવાનું આ રિપોર્ટ જણાવે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, એશિયા પેસેફિકમાં ભારત અને શ્રીલંકાના વડા ભ્રષ્ટાચારને દૂર કરવાના પોતાના વચનો પાળવામાં નિષ્ફળ રહ્યા છે, જયારે બાંગ્લાદેશ અને કંબોડિયામાં સિવિલ સોસાયટીને ભિંસમાં લઈ સરકાર ભ્રષ્ટાચારની સમસ્યાને વધુ ગંભીર બનાવી રહી છે.

વળી, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભ્રષ્ટાચારને કારણે જ આતંરિક સંઘર્ષને ઉત્તેજન મળી રહ્યું છે. ચીનના કાયદાકીય પગલાં પણ ભ્રષ્ટાચાર સામે ડર ઊભો કરવામાં કાયમી સમાધાન લાવી શકયા નથી. ભ્રષ્ટાચારી દેશોની યાદીમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર હોય તેવા દેશમાં ડેન્માર્ક સૌથી આગળ છે. સતત બીજા વર્ષે ડેન્માર્કે આ બહુમાન મેળવ્યું છે. તેને ૧૦૦માંથી ૯૧ પોઈન્ટ્સ પ્રાપ્ત થયા છે. તેના પછી ફિનલેન્ડ અને સ્વિડન આવે છે, જેમને અનુક્રમે ૯૦ અને ૮૯ પોઈન્ટ્સ મળ્યા છે. આ દેશોમાં મિડિયાને ભરપૂર સ્વતંત્રતા, બજેટને લગતી માહિતીને જાહેર જનતાને સુલભ કરાવવી જેથી ખર્ચ કયાં થયો છે તે તેને જાણી શકે, લોકોને અપાયેલી સત્તા, ગરીબ અને તવંગર સૌને ન્યાય મેળવવામાં કોઈ ભેદભાવ નહીં જેવા કારણોને લીધે આ દેશો ભ્રષ્ટાચાર દૂર કરી શકયા છે.

આ યાદીમાં સૌથી ભ્રષ્ટાચારી દેશોમાં નોર્થ કોરિયા અને સોમાલિયાનો સમાવેશ થાય છે. તેમને ૧૦૦માંથી ૮ જ પોઈન્ટ્સ મળ્યા છે. બ્રાઝિલને તેમાં સૌથી મોટું નુકસાન થયું છે, તે સાત સ્થાન પાછળ ખસી ૭૬માં ક્રમે છે.

You might also like