ભારત-ચીન સરહદે યુદ્ધનો માહોલ જામ્યોઃ સેનાનો મોટા પાયે ખડકલો

નવી દિલ્હી: ડોકલામ મુદ્દે ભારત અને ચીન વચ્ચેની મડાગાંઠ અને કોકડું વધુ ને વધુ ગૂંચવાઇ રહ્યું છે. બંનેમાંથી એક પણ દેશ ટસના મસ થવા તૈયાર નથી. ડોકલામ મુદ્દે ભારત અને ચીનની સેેના વચ્ચે શુક્રવારે યોજાયેલી ફલેેગ મિટિંગ કોઇ પણ જાતની સકારાત્મક ફળશ્રુતિ વગર સમાપ્ત થઇ હતી. ચીને એવો દુરાગ્રહ રાખ્યો હતો કે ભારત ડોકલામમાંથી પોતાના સૈનિકો હટાવી લે તો બીજી બાજુ ભારતે એવી માગણી કરી હતી કે ચીન આ વિસ્તારમાં રસ્તાઓનું નિર્માણ બંધ કરી અને રસ્તા બનાવવાના ઉપકરણો હટાવી લે.

આમ, બંને સેના વચ્ચે કોઇ ઉકેલ વગર ફલેગ બેઠક પૂરી થઇ હતી અને હવે બંને દેશની સેના આ અંગે પોતાના હેડકવાર્ટરને રિપોર્ટ કરશે. બીજી બાજુ યુદ્ધની આશંકાને લઇને ભારતે હવે ચીન સાથેની સરહદે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં ૧૪૦૦ કિ.મી. લાંબી ભારત-ચીન સરહદ પર જવાનોનો ખડકલો કરવાનું શરૂ કરી દીધું છે અને યુદ્ધની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

સરકારના જણાવ્યા પ્રમાણે દેશની પૂર્વ સરહદે સેના માટે એલર્ટનું લેવલ વધારી દીધું છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ડોકલામને લઇને ભારત અને ચીન વચ્ચેનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ૪પ,૦૦૦ જેટલા સૈનિકો યુદ્ધ અભ્યાસ પણ પૂરો કરી ચૂકયા છે. ખાસ કરીને પર્યાવરણને અનુકૂળ થવાની કવાયત ચાલી રહી છે. ૯,૦૦૦ ફૂટની ઊંચાઇએ તહેનાત જવાનોને ૧૪ દિવસ સુધી વાતાવરણ સાથે અનુકૂળ થવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં જવાનોની સંખ્યા વધારી દેવામાં આવી છે. સેનાના સુકમા બેઝ-૩૩ કોર્પ ઉપરાંત અરુણાચલ અને આસામમાં સ્થિત ૩ અને ૪ કોર્પ બેઝને સંવેદનશીલ ભારત-ચીન સરહદની સુરક્ષાની જવાબદારી સોંપાઇ છે.

હિંદ મહાસાગરમાં ચીન ભારતનો સાથ ઈચ્છે છે
ડોકલામ મુદ્દે ભારત-ચીન વચ્ચે સંબંધો તંગ બન્યા છે. જ્યારે ચીન બીજી બાજુુ હિંદ મહાસાગરમાં ભારત સાથે સહયોગની અપેક્ષા રાખી રહ્યું છે. ચીનના નૌકાદળના એક વરિષ્ઠ અધિકારીએ ભારતીય પત્રકારોની ટીમ સાથે આ અંગે વાતચીત કરતાં આમ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે હિંદ મહાસાગરની સુરક્ષા માટે ભારત અને ચીને હાથ મિલાવવા જોઇએ. ચીને ભારતીય પત્રકારોને પોતાના વિરાટ જહાજ યુલીનને જોવા માટે બોલાવ્યા હતા.

You might also like