ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સમાં બીજી ટેસ્ટ ટીમ ઇન્ડિયા જીતી શકે છે…

લંડનઃ ઈંગ્લેન્ડમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ભારત મામૂલી અંતરથી હારી ગયું. પરાજય બાદ હવે ભારતની નજર આવતી કાલ ગુરુવારથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચ પર છે, જે ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના મેદાન પર રમાવાની છે.

આ મેદાન પર ટીમ ઇન્ડિયાએ ગત પ્રવાસ દરમિયાન વિજય હાંસલ કર્યો હતો. જોકે આ સદીમાં આ મેદાન પર ભારતને બે વાર પરાજયનો સામનો કરવો પડ્યો છે અને એક ટેસ્ટ ડ્રો રહી હતી, પરંતુ જ્યારે પણ (બે વાર) અહીં શ્રેણીની બીજી ટેસ્ટ રમાઈ છે, ટીમ ઇન્ડિયા એ મુકાબલામાં હારી નથી, જ્યારે એક વાર જીત છે ખરી.

લોર્ડ્સમાં ટીમ ઇન્ડિયાની જીતનાં ઘણાં ફેક્ટર છે, જેમાં ત્રણ સૌથી ખાસ છે. આ ફેક્ટર છે- ઈશાંત શર્મા, આર. અશ્વિન અને વિરાટ કોહલી. આ ત્રણેય ખેલાડીએ વર્તમાન શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ પાસે આ ત્રણેય ખેલાડી મોટા પડકાર સમાન બની રહેશે.

પ્રથમ ટેસ્ટમાં પરાજય છતાં વિરાટ કોહલી નિરાશ નથી થયો. તેના મિજાજને જોતાં કોઈ શંકા નથી કે તે બેવડા ઉત્સાહ અને બેવડા જુસ્સા સાથે વાપસી કરવા પોતાની તમામ તાકાત કામે લગાડી દેશે.

ભૂતકાળમાં ઈશાંત લોર્ડ્સના મેદાન પર શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. ઈશાંતની શાનદાર બોલિંગને કારણે જ ટીમ ઇન્ડિયાએ ૨૦૧૪ના ઈંગ્લેન્ડ પ્રવાસની બીજી ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી હતી. રોમાંચક મુકાબલામાં ઈશાંતે બીજી ઇનિંગ્સમાં સાત વિકેટ ઝડપી હતી.

ટીમ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને ૩૧૯ રનનું લક્ષ્ય આપ્યું. ઈંગ્લેન્ડે ચોથા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં ચાર વિકેટે ૧૦૫ રનના સ્કોરમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. એ ચારમાં ફોર્મમાં રમી રહેલા એલિસ્ટર કૂક અને ઇયાન બેલની વિકેટ ઈશાંતે ઝડપી હતી. ત્યાર બાદ રમતના છેલ્લા અંતિમ પ્રથમ સત્રમાં જો રૂટ અને મોઈન અલીએ કોઈ વિકેટ પડવા દીધી નહોતી અને લંચ સુધીમાં ઈંગ્લેન્ડનો સ્કોર ૧૭૩ રન સુધી પહોંચાડી દીધો હતો.

લંચ બાદ ફરી એક વાર ઈશાંત શર્માએ ભારતને સફળતા અપાવી, જ્યારે તેના બાઉન્સર પર મોઇન અલી ફોરવર્ડ શોર્ટલેગ પર ઊભેલા ચેતેશ્વરના હાથમાં ઝિલાઈ ગયો હતો. ત્યાર બાદ ઈશાંતે પોતાની શોર્ટપીચ બોલિંગ પર મેટ પ્રાયર, બેન સ્ટોક્સ અને જો રૂટની મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપીને પોતાની કરિયરનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતા ૭૪ રન આપીને સાત વિકેટ ઝડપી હતી. ઈશાંતની ઘાતક બોલિંગને કારણે જ ઈંગ્લેન્ડની ટીમ ૨૭૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ટીમ ઇન્ડિયાએ એ મેચ જીતી લીધી હતી. હવે આ વખતે પણ ટીમ ઇન્ડિયા ઈશાંત પાસેથી આવા જ પ્રદર્શનની આશા રાખી રહી છે.

અશ્વિને વર્તમાન શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરીને પ્રથમ ઇનિંગ્સમાં ચાર વિકેટ ઝડપી, જ્યારે બીજી ઇનિંગ્સમાં ત્રણ વિકેટ ઝડપી. એ ઉપરાંત અશ્વિને બંને ઇનિંગ્સમાં એલિસ્ટર કૂકને એક જ રીતે બોલ્ડ આઉટ કરીને સનસનાટી ફેલાવી દીધી હતી.

બીજી ઇનિંગ્સમાં તેણે ઓપનર જેનિંગ્સ અને કેપ્ટન જો રૂટને સસ્તામાં આઉટ કરી દીધા હતા. પ્રથમ ટેસ્ટમાં અશ્વિન સાત વિકેટ ઝડપીને સૌથી સફળ બોલર રહ્યો હતો. અશ્વિન પણ લોર્ડ્સમાં અંગ્રેજો માટે ફરી એક વાર ઘાતક સાબિત થઈ શકે છે.

પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલીએ પણ શાનદાર બેટિંગ કરતા પહેલી ઇનિંગ્સમાં ૧૪૯ રન અને બીજી ઇનિંગ્સમાં ૫૧ રનન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગ્સમાં તે સૌથી છેલ્લો આઉટ થયો હતો, જ્યારે બીજી ઇનિંગ્સમાં સાતમી વિકેટના રૂપમાં વિરાટ આઉટ થયો હતો.

પ્રથમ ઇનિંગ્સમાં વિરાટે એકલાએ ૧૪૯ રનની ઇનિંગ્સ રમીને ટીમના અડધાથી વધુ રન એકલાએ જ બનાવ્યા હતા, જેમાં ૨૨ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો. વિરાટનું આ ફોર્મ નિશ્ચિત રીતે જ ઈંગ્લેન્ડ માટે ખતરાની ઘંટડી સમાન હશે. ઈંગ્લેન્ડ ટીમમાં વિરાટનો ડર ખતમ થાય એવું લાગતું નથી. આ બધા પાસા જોતાં ટીમ ઇન્ડિયા શ્રેણીમાં વાપસી કરીને લોર્ડ્સ ટેસ્ટ જીતી શકે તેમ છે.

You might also like