ભારત હવે પાકિસ્તાન પર હવાઈ હુમલા કરી શકે છે

(એજન્સી) નવી દિલ્હી: પુલવામામાં આતંકી હુમલા બાદ હવે વાસ્તવિક અંકુશ રેખા પર ભારતીય સશસ્ત્ર દળોની હિલચાલ વધતાં પાકિસ્તાની સેનાએ પણ તેની સરહદે સતર્કતા વધારી દીધી છે. આ સંજોગોમાં મોટાભાગના લોકોનું માનવું છે કે પાકિસ્તાનને પોતાનું વલણ બદલવા માટે મજબૂર કરવા ભારત સરકાર સીમાપાર સીમિત હુમલા કરવાના વિકલ્પ પર ગંભીરતાથી વિચારી શકે છે. સંપૂર્ણકક્ષાનું યુદ્ધ છેડવાના બદલે ભારતીય સેના સામે અનેક વિકલ્પો મોજૂદ છે.

વરિષ્ઠ સેના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિકલ્પોમાં જમીન પર ટૂંકા અંતરે હુમલાથી લઈને કેટલાક શીખરો પર કબજા સાથે એલઓસીમાં પાક હસ્તકના કાશ્મીરમાં મોજૂદ નોનસ્ટેટ એક્ટર્સ વિરુદ્ધ સચોટ હવાઈ હુમલાનો પણ સમાવેશ થાય છે. સેનામાં એ પ્રકારની સંમતિ સધાઈ રહી છે કે હવાઈ હુમલા એ સૌથી વ્યવહારુ અને અસરકારક વિકલ્પ છે.

પાકિસ્તાનની હવાઈ સીમામાં ઘૂસ્યા વગર ભારતના ફાઈટર વિમાનો જેવાં કે સુખોઈ-૩૦ એમકેઆઈ, મિરાજ-૨૦૦૦ અને જગુઆર જેવા વિમાનોથી અંકુશ રેખાની નજીક બનેલા આતંકીઓના કેમ્પ અને લોન્ચિંગ પેડ પર હુમલા થઈ શકે છે.

આ ફાઈટર વિમાનો ગ્લાઈડ બોમ્બ અને મિસાઈલોથી સજ્જ છે. એટલું જ નહીં પાકિસ્તાનની આર્મી પોસ્ટ, આતંકી છાવણીઓ, લોન્ચ પેડ અને આસપાસના વિસ્તારોમાં હુમલા માટે ભારત સ્મર્ચ મલ્ટિપલ- લોન્ચ રોકેટ સિસ્ટમ (૯૦ કિ.મી.) અને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ (૨૯૦ કિ.મી.)નો પણ ઉપયોગ કરી શકે છે.

You might also like