કોહલીની કેપ્ટન્સીમાં ભારતનો ‘વિરાટ’ વિજય

નવી દિલ્હી : નવી દિલ્હી : દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન ઉપર રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચના અંતિમ દિવસે રવિચંદ્રન અશ્વિનના જોરદાર તરખાટની મદદથી ભારતે પ્રવાસી દક્ષિણ આફ્રિકા ઉપર ૩૩૭ રને શાનદાર જીત મેળવીને ઈતિહાસ સર્જ્યો હતો. આની સાથે જ ચાર ટેસ્ટ મેચોની શ્રેણી ઐતિહાસિક ૩-૦ના અંતરેથી જીતી લીધી હતી. જીતવા માટેના ૪૮૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાની ટીમ ૧૪૩.૧ ઓવરમાં ૧૪૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

છેલ્લી પાંચ વિકેટ આફ્રિકાએ નાટ્યાત્મક રીતે માત્ર ૭ રનમાં ગુમાવી દીધી હતી અને તેનો જોરદાર ધબડકો થયો હતો. ૩-૦થી જીતની સાથે જ ભારત આઈસીસી ટેસ્ટ રેંકીંગમાં હવે બીજા ક્રમાંકે પહોંચી ગયું છે. અશ્વિને ૪૯.૧ ઓવરમાં ૬૧ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી. કેપ્ટન વિરાટ કોહલી અને મેન ઓફ ધ મેચ બનેલા રહાણેએ ખુશીથી સ્ટમ્પ્ડ જીત બાદ લઈ લીધા હતા અને ઉજવણી કરી હતી. ક્રિકેટચાહકોએ પણ ઉભા થઈને ભારતની જીતને વધાવી લીધી હતી.

ડિવીલીયર્સે ૨૯૭ બોલમાં ૪૩ રન કર્યા હતા. વન-ડે અને ટ્વેન્ટી-૨૦ શ્રેણીમાં હાર ખાધા બાદ ભારતે ટેસ્ટ શ્રેણીમાં જીત મેળવી છે. રવિચંદ્રન અશ્વિનનો કોઈ જવાબ આફ્રિકાને મળી શક્યો નહતો. સમગ્ર શ્રેણીમાં તે છવાયેલો રહ્યો હતો. ચોથી ટેસ્ટના ચોથા દિવસે ગઈકાલે હારના સંકટનો સામનો કરી રહેલા પ્રવાસી દક્ષિણ આફ્રિકાએ જીતવા માટેના ૪૮૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા રમત બંધ રહી ત્યારે બે વિકેટ ગુમાવીને ૭૨ રન કર્યા હતા.

આ સ્કોરથી આગળ રમતા દક્ષિણ આફ્રિકાએ શરૂઆતમાં ટેસ્ટને ડ્રોમાં ખેંચી જવાના તમામ પ્રયાસ કર્યા હતા. પરંતુ આફ્રિકાના લોઅર ઓર્ડરના બેટ્સમેનોનો ફ્લોપ શો રહ્યો હતો અને એક પછી એક નિયમિતગાળામાં વિકેટો ગુમાવી હતી.

આફ્રિકાએ ચોથા દિવસે ૭૨ ઓવરમાં માત્ર ૭૨ રન જ કર્યા હતા. એક રનની સરેરાશ સાથે આફ્રિકાએ રન બનાવતા ટીવી પર અને મેદાન પર રહેલા ચાહકો ભારે નિરાશ થયા હતા. ભારતે મોહાલી ટેસ્ટ વરસાદમાં ધોવાઈ ગયા બાદ અન્ય બે ટેસ્ટ મેચ જીતી હતી.

વિરાટ કોહલીની કેપ્ટન્સી હેઠળ ભારતે સતત બીજી ટેસ્ટ સીરિઝ જીતી લીધી છે. શ્રીલંકામાં સીરિઝ જીત્યા બાદ ભારતે દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમ સાઉથ આફ્રીકાને પણ શિકસ્ત આપી હતી. ભારતીય ટીમે દિલ્હીનાં ફિરોજશાહ કોહલા મેદાનમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રીકાને 337 રનોથી પરાજીત કર્યું હતું. આ રન પ્રમાણે થયેલી ભારતની સૌથી મોટી જીત છે. રનની દ્રષ્ટિએ આટલા વિશાળ માર્જીનથી ભારત ક્યારે પણ ટેસ્ટ મેચ જીત્યું નથી. આ સાથે જ ભારતે 4 મેચોની સીરિઝમાં 3-0થી ક્લિન સ્વિપ કર્યું હતું.

સાઉથ આફ્રીકાનાં હાથે વનડે અને ટી-20 સીરિઝમાં ભારતનો ભૂંડી રીતે પરાજય થયો હતો. જો કે મોહાલીમાંથી ભારતનો વિજય રથ આગળ વધ્યો હતો. જે દિલ્હીમાં એક નવા જ કિર્તીમાન સાથે પુરી થઇ હતી.
અંતિમ ટેસ્ટનાં પાંચમાં દિવસે ભારતીય બોલરોએ 481 રનનાં લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી અને મેચને ડ્રો તરફ લઇ જવા માટે ઉતરેલી ટીમનાં ડાંડીયા ડુલ કર્યા હતા. મહેમાન ટીમે કુલ 143.1 ઓવર રમી હતી. મેચને ડ્રો કરવાનાં જ નિર્ધાર સાથે ઉતરેલા ડિવિલિયર્સે 297 બોલમાં માત્ર 43 રન બનાવ્યા હતા. ભારતની તરફથી રવિચંદ્રન અશ્વિને આ સીરિઝમાં એકવાર ફરી કમાલ કરતા 5 વિકેટ ઝડપી હતી. જ્યારે ઉમેશ યાદવે 3 અને રવિન્દ્ર જાડેજાએ બે સફળતા પ્રાપ્ત કરી હતી.

આ મેચને બચાવવા માટે ડિવિલિયર્સ, કેપ્ટ હાશિમ અમલા (25 રન, 244 બોલમાં), તેમ્બા બાયુમા (34 રન 117 બોલ) ફાક ડૂ પ્લેસિસ (10 રન, 97 બોલ) એ ખુબ જ સંધર્ષ કર્યો હતો. જો કે મેચ બચાવવાનાં પ્રયાસમાં બેટ્સમેનોએ ધીમી રમતનો પણ નવો વણજોઇતો કિર્તીમાન સ્થાપી દીધો હતો. જો કે તેઓની આ ધીમી રમતનાં કારણે મેચ ખુબ જ નિરાશાજનક રહી હતી.

છેલ્લા દિવસે ટી બ્રેક સુધી લાગતું હતું કે સાઉથ આફ્રીકા ગમે તે ભોગે મેચને ડ્રો કરીને જ રહેશે. જો કે અશ્વિને ડિવિલિયર્સની વિકેટ ઝડપ્યા બાદ પાસુ પલટાઇ ગયું હતું. ભારતીય ટીમ સાઉથ આફ્રીકા પર હાવી થઇ ગઇ હતી. ત્યાર બાદ તો જાણે વિકેટોનો દોર જામ્યો અને એક પછી એક વિકેટો ખરવા લાગી હતી.
હાલ દિલ્હી ટેસ્ટની બંન્ને દાવમાં સદી ફટકારી કિર્તીમાન બનાવનાર મુંબઇકર બેટ્સમેન આંજિક્ય રહાણેને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. જ્યારે ડિવિલિયર્સની સૌથી મહત્વની વિકેટ સાથે છ તથા સીરીઝમાં કુલ 31 વિકેટ ઝડપનાર રવિચંદ્રન અશ્વિનને મેન ઓફ ધ સીરિઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

You might also like