Asia Cup: દુબઇમા ચમક્યાં રોહિત-જાડેજા, ભારતે 7 વિકેટે બાંગ્લાદેશને આપ્યો પરાજય

ટીમ ઇન્ડિયાએ એશિયા કપમાં સુપર-4 મુકાબલામાં બાંગ્લાદેશને 7 વિકેટે પરાજય આપ્યો છે. ગૃપ મેચમાં ભારતે હોંગકોંગ અને પાકિસ્તાનને પરાજય આપ્યા બાદ બાંગ્લાદેશને હરાવી ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત મેળવી છે.

દુબઇમાં રમાઇ રહેલી આ ટૂર્નામેન્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં બાંગ્લાદેશની ટીમે 49.1 ઓવરમાં 173 રન બનાવ્યા હતા અને ભારતને જીત માટે 174 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

174 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 36.2 ઓવરમાં જીત મેળવી લીધી હતી. ભારત તરફથી સુકાની રોહિત શર્માએ અણનમ 104 બોલમાં પાંચ બાઉન્ડ્રી અને ત્રણ સિકસરની મદદથી 83 રન બનાવ્યા હતા. શિખર ધવને 47 બોલમાં ચાર બાઉન્ડ્રી અને એક સિકસરની મદદથી 40 રન બનાવ્યા હતા.

આસાન લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતીય ટીમે શિખર ધવન 40, અંબાતિ રાયડુ 13 અને મહેન્દ્ર સિંહ ધોની 33 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા સાથે દિનેશ કાર્તિક 1 રને અણનમ રહ્યો હતો. જ્યારે ભારતીય બોલિંગમાં લાંબા સમય બાદ વન ડે ટીમમાં પુનરાગમન કરનાર રવિન્દ્ર જાડેજાએ ચાર વિકેટ ઝડપી હતી.

રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ભારતીય ટીમના બોલરોએ ફરી શાનદારપ્રદર્શન કર્યું હતું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ, ભુવનેશ્વરકુમાર-બુમરાહે 3-3 વિકેટ ઝડપી હતી.

You might also like