ભારત-બાંગ્લાદેશ વચ્ચે ‘કટ્ટરતા’ વધી રહી છે

નવી દિલ્હીઃ ટી-૨૦ વર્લ્ડકપની બીજી સેમિફાઇનલમાં ભારતનો વેસ્ટ ઇન્ડીઝ સામે પરાજય થયો. ભારતની આ હાર પર વેસ્ટ ઇન્ડીઝના પ્રશંસકો અને ખેલાડીઓ ઉપરાંત કોઈ બીજા દેશના ખેલાડીને પણ બહુ જ ખુશી થઈ. બાંગ્લાદેશના મુશફિકુર રહીમને ભારતની હાર પર બહુ જ આનંદ થયો. રહીમ ટીમ ઇન્ડિયાની હારથી એટલો બધો ખુશ થઈ ગયો હતો કે તેણે ટ્વિટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી નાખી, જેમાં તેણે લખ્યું હતું, ”આ છે ખુશી… હાહાહા… સેમિફાઇનલમાં ભારતની હાર…” આ ટ્વિટ સાથે જ કેપ્ટન ધોનીની મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીની તસવીર પણ શેર કરી.

અહીં આ ઘટનાનો ઉલ્લેખ કરવો એટલા માટે જરૂરી છે, કારણ કે પાછલા કેટલાક સમયથી જોવામાં આવ્યું છે કે ક્રિકેટને લઈને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તંગદિલી વધી ગઈ છે. બાંગ્લાદેશના ખેલાડી હોય કે તેના પ્રશંસકો, તેઓ ભારતીય ખેલાડીઓને પાછલા કેટલાક સમયથી નિશાન બનાવી રહ્યા છે. મુશફિકુર રહીમની પહેલી ઘટના નથી, જેમાં બાંગ્લાદેશીઓની ટીમ ઇન્ડિયા પ્રત્યેની નફરત જોવા મળી હોય.

આ અગાઉ પણ એવી ઘટનાઓ બની છે, જેનાથી સાબિત થાય છે કે બંને દેશ વચ્ચે ક્રિકેટને લઈને તંગદિલી વધી ગઈ હોય. બંને એકબીજા પર જીત હાંસલ કરવા ઇચ્છે છે અને હરીફ ટીમને હારતી જોવા ઇચ્છે છે, જોકે અત્યાર સુધી ટીમ ઇન્ડિયા કે ભારતીય પ્રશંસકો તરફથી બાંગ્લાદેશ માટે આવું બધું બહુ જોવા મળ્યું નથી.

એશિયા કપની ફાઇનલ વખતે ધોનીનું કાર્ટૂન બનાવ્યું
આ વર્ષે એશિયા કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ રમાઈ, પરંતુ તેની પહેલાં એક તસવીર વાઇરલ થઈ હતી, જેને જોઈને દરેક ભારતીય ક્રિકેટ ચાહકનું લોહી ગરમ થઈ ગયું હતું. તસવીરમાં ધોનીનું કાપેલું માથું બાંગ્લાદેશના ફાસ્ટ બોલર તસ્કીન અહેમદના હાથમાં દેખાડવામાં આવ્યું હતું. ફાઇનલમાં જીત બાદ સોશિયલ મીડિયામાં એ જ ફોટોને લઈને ભારતીય ચાહકોએ બાંગ્લાદેશની જોરદાર મજાક કરી હતી.

બાંગ્લાદેશી મેગેઝિનમાં ટીમ ઇન્ડિયાનો વિવાદિત ફોટો છપાયો
બાંગ્લાદેશી પ્રશંસકો જ નહીં, બલકે ત્યાંનું મીડિયા પણ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનો વિવાદિત ફોટો છાપવાનું ચૂકતું નથી. મેગે‌િઝન ‘પ્રથમ અલો’એ એમ. એસ. ધોની, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, રોહિત શર્મા, શિખર ધવન, અજિંક્ય રહાણે અને અશ્વિનની એક તસવીર છાપી હતી, જેમાં આ બધા ભારતીય ક્રિકેટરોનું અડધું માથું મુંડન કરેલું દેખાડવામાં આવ્યું હતું. આ તસવીર ગત વર્ષે ભારતના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન છપાઈ હતી. એ પ્રવાસ દરમિયાન ભારતનો વન ડે શ્રેણીમાં પરાજય થયો હતો.

ધોનીએ મુસ્તાફિજુરને કોણી મારી
ભારતીય ટીમના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન હંમેશાં શાંત રહેનારા કેપ્ટન ધોનીએ પણ પોતાના પરનો કાબૂ ગુમાવ્યો હતો અને પહેલી મેચ રમી રહેલા મુસ્તાફિજુર રહેમાનને રન લેતી વખતે કોણી મારી હતી. આ ઘટના બાદ મુસ્તાફિજુરને ટ્રીટમેન્ટ લેવા માટે મેદાનની બહાર જવું પડ્યું હતું. આ બધી એવી ઘટનાઓ છે, જે દર્શાવે છે કે બંને દેશ વચ્ચે ફક્ત મેદાનમાં જ નહીં, બલકે મેદાનની બહાર પણ એક યુદ્ધ ચાલી રહ્યું છે. આવનારા સમયમાં એ જોવું દિલચસ્પ બની રહેશે કે શું આ પ્રતિદ્વંદ્વતા એ રૂપ તો નહીં લેને, જે અત્યાર સુધી ભારત-પાક. વચ્ચે જોવા મળી રહી છે.

You might also like