ગુલાબી ગુલાબી હશે ભારત-ઓસી. વચ્ચેની T-20 મેચ

સિડનીઃ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની વન ડે શ્રેણી બાદ યોજાનારી ત્રણ ટી-૨૦ શ્રેણીની અંતિમ મેચમાં આખું સ્ટેડિયમ ગુલાબી ગુલાબી થઈ જશે. મેકગ્રા ફાઉન્ડેશનનું સમર્થન કરવા માટે આવું કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયા-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે વરસાદને કારણે રદ થયેલી પરંપરાગત પિન્ક ટેસ્ટ મેચમાં ૩,૮૦,૦૦૦ ડોલરના લક્ષ્યથી ઓછા મળેલા ફંડને કારણે હવે ટી-૨૦ શ્રેણીની અંતિમ મેચને ગુલાબી-ગુલાબી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ જેમ્સ સધરલેન્ડે જણાવ્યું કે ઓસી-વિન્ડીઝ વચ્ચેની સિડની ટેસ્ટમાં સતત વરસાદ છતાં ક્રિકેટ સમર્થકોએ પરંપરાગત પિન્ક ટેસ્ટ દરમિયાન ૨,૫૦,૦૦૦ ડોલરથી વધુની મદદ કરવા મજબૂત સમર્થન આપ્યું હતું. તેઓએ કહ્યું કે અમે હવામાન પર નિયંત્રણ કરી શકીએ નહીં. ભવિષ્યમાં અન્ય આંતરરાષ્ટ્રીય મેચ પણ છે, જેથી ૩૧ જાન્યુઆરીએ સિડનીમાં ત્રીજી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચનો મેકગ્રા ફાઉન્ડેશન માટે ફંડ એકઠું કરવા અને કેન્સર સામે જાગૃતિ વધારવા માટે ઉપયોગ કરાશે. એ મેચ દ્વારા દર્શકો જ નહીં, બલકે ખેલાડીઓને પણ ગુલાબી જર્સી પહેરીને મેકગ્રા ફાઉન્ડેશનને સપોર્ટ કરવાની તક મળશે.

જેન મેકગ્રા ડે શરૂઆત બાદ સૌથી ઓછા દર્શકો એ દિવસે સ્ટેડિયમમાં હાજર હતા. જેન મેકગ્રા ડેની શરૂઆત ૨૦૦૯માં થઈ હતી. ૩૧ જાન્યુઆરીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટી-૨૦ મેચની ફરીથી વાપસી થશે. ક્રિકેટ ચાહકો સિડનીમાં ટી-૨૦ની વાપસી અને ગુલાબી જર્સી પહેરવાને લઈને બહુ જ ઉત્સુક છે.

You might also like