ટીમ ઇન્ડિયાનો વાપસીનો શાનદાર ઇતિહાસ રહ્યો છે

બેંગલુરુઃ ક્રિકેટ ચાહકોને જે ટેસ્ટ શ્રેણીનો ઇંતેજાર હતો તેની શરૂઆત પુણેમાં થઈ અને પહેલી જ ટેસ્ટમાં ભારતની હારે શ્રેણીને વધુ રોમાંચક બનાવી દીધી. પુણે ટેસ્ટમાં મળેલી ૩૩૩ રનની કારમી હાર ટીમ ઇન્ડિયાની પોતાના જ ઘરમાં બીજા નંબરની સૌથી મોટી હાર હતી. આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ જ ભારતને તેની ધરતી પર ૩૪૨ રનથી પરાજય આપ્યો હતો.

શ્રેણીની પહેલી જ ટેસ્ટ મેચમાં પરાજય મળ્યા બાદ હવે દબાણ કાંગારુંઓ પર નહીં, બલકે ભારતીય ટીમ પર છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે પોતાના ખેલાડીઓને ચેતવણી આપી છે કે એક ટેસ્ટ મેચમાં જીત બાદ આત્મ મુગ્ધ ના બનો, કારણ કે ભારત આ શ્રેણીમાં વાપસી માટે મરણિયું બનશે. સ્ટીવ સ્મિથે ભારત વાપસી કરશે એ વાત હવામાં નથી કહી. અસલમાં ભારતીય ટીમે આ પહેલાં ઘણી વાર પહેલી મેચ ગુમાવ્યા બાદ શ્રેણીમાં વળતો હુમલો કરીને જીત નોંધાવી છે. ભારતીય ટીમનો ઇતિહાસ બનાવે છે કે ભારતને વાપસી કરતા આવડે છે.

શ્રીલંકા સામે ૨૦૧૫-૧૬ની શ્રેણી
શ્રીલંકામાં રમાયેલી આ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે પ્રથમ ઇનિંગ્સમાં ૧૯૨ રનની સરસાઈ હાંસલ કર્યા બાદ મેચ ગુમાવી દીધી હતી. બીજી ઇનિંગ્સમાં ૧૭૬ રનના લક્ષ્યનો પીછો કરતાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાના ડાબોડી સ્પિનર રંગના હેરાથ સામે ઘૂંટણ ટેકવી દીધા હતા. હેરાથે ૪૮ રન આપીને સાત વિકેટ ઝડપી અને ટીમ ઇન્ડિયા ફક્ત ૧૧૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ રીતે ભારતને પહેલી જ ટેસ્ટમાં પરાજયનો સામનો કરવો પડ્યો. એ શ્રેણીની બાકીની બે મેચમાં ભારતીય ટીમે શાનદાર વાપસી કરીને કોલંબો ટેસ્ટમાં શ્રીલંકાને ૨૭૮ રને હરાવીને શ્રેણી ૧-૧થી બરોબર કરી અને પછી ફાસ્ટ બોલર્સને અનુકૂળ એસએસીની પીચ પર પૂજારાના શાનદાર ૧૪૫ રનની મદદથી ૧૧૭ રને ટેસ્ટની સાથે શ્રેણી ૨-૧થી પોતાના નામે કરી લીધી હતી.

ઓસ્ટ્રેલિયા સામે ૨૦૦૦-૦૧ની ઐતિહાસિક શ્રેણી
વર્ષ ૨૦૦૦-૦૧ની એ ઐતિહાસિક ટેસ્ટ શ્રેણીને કોણ ભૂલી શકે? સૌરવ ગાંગુલીના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે એ સમયની અજેય મનાતી ઓસ્ટ્રેલિયાની ટીમને ટેસ્ટ શ્રેણીમાં ધૂળ ચટાડી દીધી હતી. મુંબઈમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતને કાંગારુંઓએ ૧૦ વિકેટે પરાજય આપ્યો. કોલકાતામાં રમાયેલી બીજી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ૨૭૪ રનની સરસાઈ મેળવ્યા બાદ ભારતને ફોલોઓન કરવા છતાં ઓસ્ટ્રેલિયા એ ટેસ્ટ હારી ગયું. એ મેચ વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ અને હરભજનસિંહને કારણે સુવર્ણ અક્ષરોમાં ઇતિહાસનાં પાનાં પર નોંધાઈ ગઈ. ટેસ્ટ શ્રેણીના અંતિમ મુકાબલામાં ફરી એક વાર હરભજનસિંહનો જલવો જોવા મળ્યો અને નાના લક્ષ્યનો પીછો કરતાં ભારતે બે વિકેટથી જીત હાંસલ કરી એ શ્રેણી ૨-૧થી પોતાના નામે કરી લીધી.

ઈંગ્લેન્ડ સામેની ૧૯૭૨-૭૩ની શ્રેણી
એક ચમત્કાર ભારતીય ટીમે એ સમયે કર્યો હતો, જ્યારે વિશ્વ ક્રિકેટમાં માત્ર ત્રણ ટીમ – વેસ્ટ ઇન્ડીઝ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની જ બોલબાલા હતી. પાંચ મેચની એ શ્રેણીમાં ભારતને  દિલ્હીમાં રમાયેલી પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ત્યાર બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરતાં બાકીની ચાર ટેસ્ટમાંથી બે ટેસ્ટમાં જીત હાંસલ કરી અને શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી.
http://sambhaavnews.com/

You might also like