વિદેશમાં કફોડી હાલતઃ ૧૧ મેચથી કાંગારુંઓ જીત માટે તરસી રહ્યાં છે

કોલકાતાઃ ઓસ્ટ્રેલિયાની ટીમને ભારત પ્રવાસની પહેલી જ વન ડે મેચમાં પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. પાંચ વન ડે મેચની શ્રેણીની પહેલી જ મેચમાં ટીમ ઇન્ડિયાએ ગત રવિવારે વરસાદગ્રસ્ત મેચમાં કાંગારુંઓને ૨૬ રનથી માત આપી. આ સાથે જ વિદેશી ધરતી પર ઓસ્ટ્રેલિયાએ વધુ એક મેચ ગુમાવી. વિદેશી ધરતી પર ઓસ્ટ્રેલિયન ટીમની છેલ્લી ૧૧ વન ડે મેચની વાત કરીએ તો તેઓ એક પણ મેચ જીતી શક્યા નથી. આ દરમિયાન કાંગારું ટીમને નવ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને એક મેચમાં વરસાદના કારણે પરિણામ આવી શક્યું નહોતું.

વિદેશી ધરતી પર ઓસ્ટ્રેલિયાના ખરાબ તબક્કાનો સિલસિલો દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીથી શરૂ થયો હતો. સપ્ટેમ્બર-ઓક્ટોબર, ૨૦૧૬માં દક્ષિણ આફ્રિકાની ધરતી પર ઓસ્ટ્રેલિયાને સતત પાંચ વન ડેમાં શરમજનક રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ જાન્યુઆરી-ફેબ્રુઆરી, ૨૦૧૭માં ન્યૂઝીલેન્ડની ધરતી પર પણ કાંગારુંઓએ શ્રેણીની બંને મેચ ગુમાવી હતી.
ઓસ્ટ્રેલિયાનો ખરાબ તબક્કો આગળ પણ ચાલુ જ રહ્યો. ગત જૂનમાં ઈંગ્લેન્ડની ધરતી પર ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન કાંગારું ટીમ હવામાનથી પરેશાન રહી. બે મેચમાં વરસાદને કારણે પરિણામ આવી શક્યું નહીં, જ્યારે યજમાન ઈંગ્લેન્ડ સામે તેણે હારનો સામનો કરવો પડ્યો અને હવે કાંગારુંઓની ટીમ ભારતમાં વન ડે શ્રેણી રમી રહી છે. હવે જોવાનું એ રહે છે કે તેમની જીતનો ઇંતેજાર કેટલોક લાંબો ખેંચાય છે.

વિદેશી ધરતી પર ઓસ્ટ્રેલિયાનો શરમજનક દેખાવઃ
• ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૬ઃ સેન્ચુરિયન, દ. આફ્રિકા સામે છ વિકેટે પરાજય.
• ૨ ઓક્ટોબર, ૨૦૧૬ઃ જોહાનિસબર્ગ, દ. આફ્રિકા સામે ૧૪૨ રને પરાજય.
• ૫ ઓક્ટોબર, ૨૦૧૬ઃ ડરબન, દ. આફ્રિકા સામે ૪ વિકેટે પરાજય.
• ૯ ઓક્ટોબર, ૨૦૧૬ઃ પોર્ટ એલિઝાબેથ, દ. આફ્રિકા સામે છ વિકેટે પરાજય.
• ૧૨ ઓક્ટોબર, ૨૦૧૬ઃ કેપટાઉન, દ. આફ્રિકા સામે ૩૧ રને પરાજય.
• ૩૦ જાન્યુઆરી, ૨૦૧૭ઃ ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ સામે છ રને પરાજય.
• ૫ ફેબ્રુઆરી, ૨૦૧૭ઃ હેમિલ્ટન, ન્યૂઝીલેન્ડ સામે ૨૪ રને પરાજય.
• ૨ જૂન, ૨૦૧૭ઃ બર્મિંગહમ, ન્યૂઝીલેન્ડ સામે પરિણામ ના આવ્યું.
• ૫ જૂન, ૨૦૧૭ઃ ઓવલ, બાંગ્લાદેશ સામે પરિણામ ના આવ્યું.
• ૧૦ જૂન, ૨૦૧૭ઃ બર્મિંગહમ, ઈંગ્લેન્ડ સામે ૪૦ રને પરાજય.
• ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૭ઃ ચેન્નઈ, ભારત સામે ૨૬ રને પરાજય.

You might also like