ભારત-ઓસી. મેચની ટિકિટ GSTના કારણે મોંઘી બની ગઈ

કોલકાતાઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી મહિને રમાનારી વન ડે શ્રેણીની ટિકિટ મોંઘી બની ગઈ છે, કારણ કે નિયમો અનુસાર આ મેચની ટિકિટ પર ૨૮ ટકા જીએસટી લગાવવામાં આવ્યો છે. ટિકિટ પર ૨૮ ટકા જીએસટી બાદ સૌથી ઓછા ભાવની ટિકિટ રૂ. ૫૦૦થી વધીને રૂ. ૬૫૦ની થઈ ગઈ છે. આ રીતે અન્ય િટકિટના દર રૂ. ૧૩૦૦ અને રૂ. ૧૯૦૦ રહેશે, જે અગાઉ ક્રમશઃ રૂ. ૧૦૦૦ અને રૂ. ૧૫૦૦ હતા.

બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું, ”ટિકિટની કિંમત પહેલાં જેટલી જ છે. બસ, તેમાં જીએસટી ઉમેરવામાં આવ્યો છે.” ભારત-ઓસી વચ્ચે પાંચ મેચની વન ડે શ્રેણીની એક મેચનું આયોજન કોલકાતાના ઈડન ગાર્ડન્સ પર સંભવતઃ ૨૧ સપ્ટેમ્બરે કરાયું છે.

શ્રીલંકાના ભારત પ્રવાસ દરમિયાન નવેમ્બરમાં અહીં ટેસ્ટ મેચ રમાવાની છે, પરંતુ આની ટિકિટો પર જીએસટીની અસર નહીં પડે. ગાંગુલીએ જણાવ્યું, ”ટેસ્ટ મેચ ટિકિટ રોજના આધાર પર વેચાય છે. અહીં ૧૦૦ રૂપિયાની ટિકિટ હશે, આથી જીએસટી નહીં લાગે.”

You might also like