ભારત-ઓસ્ટ્રેલિયા: જૂના દુશ્મનો સાથે દોસ્તી નહીં

ચેન્નઈઃ આ વર્ષના માર્ચ મહિનામાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં ૨-૧થી પરાજય આપ્યો હતો. કડવી બાબતોથી ભરપૂર રહેલી એ શ્રેણીમાં એક તરફ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ, ભૂતપૂર્વ ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયન મીડિયા હતું.

તનાતની એટલી હતી કે શ્રેણીની શરૂઆતમાં સહૃદયતા દેખાડનારા કોહલીએ છેવટે કહેવું પડ્યું હતું કે, ‘હવે ઓસ્ટ્રેલિયનો અમારા દોસ્ત નથી રહ્યા.’ જોકે તેના થોડા દિવસ બાદ અને આઇપીએલની શરૂઆત પહેલાં વિરાટે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ટીમના કેટલાક ખેલાડી હજુ પણ તેના મિત્ર છે. બધું મળીને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ્યારે પણ ક્રિકેટ રમાય છે ત્યારે ગરમી બંને તરફ રહેતી જ હોય છે. ફર્ક એટલો છે કે પહેલાં આ ફક્ત ઓસ્ટ્રેલિયા તરફથી થતું હતું, પરંતુ સૌરવ ગાંગુલીના કેપ્ટન બન્યા બાદથી આ ચીજ બંને તરફથી થવા લાગી છે. હવે ફરી એક વાર આગામી રવિવારથી બંને ટીમ સામસામે ટકરાવાની છે. બંને ટીમ તરફથી જે કંઈ દાવા કરવામાં આવી રહ્યા હોય, શ્રેણીમાં ગરમાગરમી તો તેની ચરમસીમાએ જ રહેવાની.
બંને કેપ્ટન આક્રમક છે
ગત શ્રેણી પહેલાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથને એટલો બધો આક્રમક નહોતો માનવામાં આવતો, જ્યારે વિરાટની છબિ આક્રમક કેપ્ટન તરીકેની હતી. ચાર ટેસ્ટ મેચની એ શ્રેણીએ બધાની ધારણા અને માન્યતાઓ બદલી નાખી. જોકે એ શ્રેણી બાદ સ્મિથને આઇપીએલમાં પુણે સુપરજાયન્ટ્સ ટીમનું નેતૃત્વ સંભાળવાનું હતું, આથી તેણે બાદમાં દોસ્તીનો હાથ લંબાવ્યો, કારણ કે તે જાણતો હતો કે ભારતીય ચાહકોનો સાથ લેવા માટે આવું કરવું જ પડશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ વન ડે અને ત્રણ ટી-૨૦ મુકાબલા રમાવાના છે, જેમાં ક્રિકેટ પ્રશંસકોને ઘણી મજા પડવાની છે.
બબાલ મચી હતી
ચાર ટેસ્ટની ગત શ્રેણીમાં વિવાદ એટલો બધો વધી ગયો હતો કે કોહલીએ ડીઆરએસ લેતી વખતે ડ્રેસિંગ રૂમ તરફ જોવા બદલ સ્મિથને વિશ્વાસઘાતી કહ્યો હતો. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયન મીડિયાનો એક હિસ્સો તેમજ કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓએ કોહલી પ્રત્યે આક્રમક વલણ અખત્યાર કર્યું હતું. તેઓ સતત કોહલી તરફ નિશાન સાધતા રહ્યા. ઓસ્ટ્રેલિયન મીડિયાએ તો કોહલીની સરખામણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ કરી નાખી હતી. મામલો ત્યારે વધુ બગડ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના સીઈઓ જેમ્સ સદરલેન્ડે કહી નાખ્યું કે કોહલીને કદાચ ‘સોરી’નો સ્પેલિંગ પણ નહીં આવડતો હોય.
ભારતે ૨-૧થી શ્રેણી જીતી લીધા બાદ કોહલીને જ્યારે પૂછવામાં આવ્યું કે હવે મુકાબલા ખતમ થઈ ગયા છે તો શું બંને ટીમ મેદાનની બહાર દોસ્તીની નવી શરૂઆત કરશે? આ પ્રશ્નનો જવાબ કોહલીએ બહુ જ બિન્દાસ્ત રીતે આપ્યો હતો. તેણે કહ્યું, ”ના, હવે બધું પહેલાં જેવું નથી રહ્યું. હું પણ પહેલાં આવું જ વિચારતો હતો, પરંતુ હવે બધું બદલાઈ ગયું છે.”
જોકે શ્રેણી પૂરી થયા બાદ કાંગારું કેપ્ટન સ્મિથે પોતાના વર્તન બદલ માફી માગી લીધી હતી. એ શ્રેણીમાં મેથ્યુ વેડ અને રવીન્દ્ર જાડેજા વચ્ચે પણ બબાલ થઈ હતી.

You might also like