ભારતીય સેનાનો LoC પર ૧૩ વર્ષમાં પ્રથમ વાર તોપમારોઃ પાકિસ્તાનના ૪૦ સૈનિક ઠાર

નવી દિલ્હી: ગત મહિનામાં કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એલઓસી પર ભારતીય સેનાએ પાકિસ્તાનની ચાર ચોકીઓનો ખાતમો બોલાવવા માટે છેલ્લાં ૧૩ વર્ષમાં પહેલી વાર તોપમારો (આ‌િર્ટલરી ગન)નો ઉપયોગ કરીને પાકિસ્તાનના ૪૦ સૈનિકને ઠાર કર્યા હોવાનું બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૦૦૩માં શાંતિ સમજૂતી થઈ હતી. સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને ૯૯ વખત સીઝ ફાયરનો ભંગ કર્યો છે.

આ અંગે સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સેનાએ તેના એક જવાનના મૃતદેહને ક્ષત-વિક્ષત કરાયા બાદ પાકિસ્તાનને તોપમારાથી જવાબ આપ્યો હતો, જેમાં પાકિસ્તાનની ચાર ચોકીઓ તબાહ કરી દેવામાં આવી હતી. આ અગાઉ પાકિસ્તાને ભારતીય નાગરિકોને પણ નિશાન બનાવ્યા હતા અને તેમાં તેણે ૧૨૦ મિમીના ભારે મોર્ટાર છોડ્યા હતા. સેનાના એક સિ‌િનયર અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાની રેન્જર્સ સતત સરહદ પારથી સીઝ ફાયરનો ભંગ કરી રહ્યા છે. પાકિસ્તાને જમ્મુ વિસ્તારમાં સરહદ પર ૮૩ વખત જ્યારે કાશ્મીરમાં પણ ૧૬ વખત સીઝ ફાયરનો ભંગ કર્યો છે.

પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં ૧૮ ભારતીયનાં મોત, ૮૩ને ઈજા
સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન તરફથી થઈ રહેલા સતત ફાયરિંગમાં અત્યાર સુધીમાં ભારતના ૧૮ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૮૩ લોકોને ઈજા થઈ છે, તેમાં ૧૨ સિવિલયન પણ સામેલ છે. પાકિસ્તાન તરફથી થતા ફાયરિંગથી ભારતને વધુ નુકસાન થયુ છે, જેમાં અત્યાર સુધીમાં પહેલી નવેમ્બરે થયેલા ફાયરિંગમાં ભારતને સૌથી વધુ નુકસાન થયું છે. આ દિવસે ભારતના આઠ નાગરિકનાં મોત થયાં હતાં, જેમાં બે બાળકો અને ચાર મહિલાનો સમાવેશ થતો હતો.

આ ઉપરાંત આ જ દિવસે થયેલા ફાયરિંગમાં ઈન્ટરનેશનલ બોર્ડર અને એલઓસી પાસેના પાંચ સેકટરમાં ૨૨ લોકોને ઈજા થઈ હતી. અધિકારીએ જણાવ્યું કે ભારતીય સેનાએ પણ વળતો પ્રહાર કરી પાકિસ્તાનની ૧૪ ચોકીઓનો ખાતમો બોલાવી દીધો હતો અને તેના બે જવાનને ઠાર કર્યા હતા. હેવી ક્રોસ બોર્ડર પર ફાયરિંગ ચાલુ રહેતાં ઈન્ટરનેશનલ બોર્ડર અને એલઓસી સાથે જોડાયેલા વિસ્તારની ૪૦૦ શાળાઓને બંધ કરી દેવામાં આવી છે.

જમ્મુ સરહદ પર હથિયારધારી સેના તહેનાત કરતું પાક
જમ્મુ સાથે સંકળાયેલી ૧૯૦ કિમીની સરહદ પર પાકિસ્તાને તેના રેન્જર્સોના બદલે હવે ભારે હથિયારોથી સજ્જ સેનાને તહેનાત કરી છે. એક અંગ્રેજી અખબારે બીએસએફના હવાલાથી અહેવાલ આપ્યા છે કે પાકિસ્તાને સરહદ સાથે સંકળાયેલી ચોકીઓ પર રેન્જર્સોને હટાવી મોટી સંખ્યામાં સેનાના જવાનોને તહેનાત કરી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરહદ સાથે સંકળાયેલા અનેક વિસ્તારોમાં પાકિસ્તાન છેલ્લા કેટલાય દિવસોથી સીઝ ફાયરનો ભંગ કરી સતત ફાયરિંગ કરી રહ્યું છે તેનો બીએસએફ પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે.

અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જમ્મુ સાથે સંકળાયેલી સરહદ પર મોટી સંખ્યામાં પાક. સેનાની હિલચાલ જોવા મળી રહી છે. જોકે બીએસએફના અધિકારીએ આ વાતને સમર્થન આપ્યું નથી. તેમનું કહેવું છે કે પાક. સેનાએ આ વિસ્તારમાં કબજો જમાવ્યો છે કે નહિ તે અંગે કહેવું મુશ્કેલ છે, પરંતુ છેલ્લા આઠ-નવ દિવસથી સરહદ પાર સેનાની હિલચાલમાં ચોક્કસ વધારો જોવા મળી રહ્યો છે તેમાં સરહદ પાર ભારે હથિયારો સાથે સેનાના જવાનો જોવા મળ્યા છે, જોકે આ અંગે હજુ કોઈ ગુપ્ત માહિતી મળી નથી. અત્યાર સુધી પાકિસ્તાને ૧૦૦ વખત સીઝ ફાયરનો ભંગ કર્યો છે અને પીઓકેમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ ગભરાયેલા પાકિસ્તાન તરફથી આવી હરકતો વારંવાર કરવામાં ‍આવી રહી છે.

You might also like