ભારત-રશિયા એડ્વાન્સ્ડ ફાઈટર એરક્રાફ્ટ બનાવશે

નવી દિલ્હીઃ ભારત રશિયા સાથે મળીને ફિફ્થ જનરેશનના ફાઈટર એરક્રાફ્ટ (એફજીએફએ) વિકસાવશે. આ માટે બંને દેશો ટૂંક સમયમાં વાતચીત કરનાર છે. આ ઉપરાંત ભારત પોતાના સુખોઈ ૩૦-એમકેઆઈને અપગ્રેડ કરીને ‘સુપર સુખોઈ’ બનાવશે. આ સુપર સુખોઈ શ્રેષ્ઠ ટેકનોલોજી સાથે વધુ શસ્ત્રોનું વહન કરવા સક્ષમ બનશે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પાક અને ચીન સામે કામ લેવા માટે ભારતને ૪૨ સ્કવોડ્રનની જરૂર છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર હવે ફ્રાંસ સાથે પણ ટૂંક સમયમાં રાફેલ ફાઇટર ડીલ સંપન્ન થઈ શકે છે. ભારત-ફ્રાંસ વચ્ચે ૭.૮ અબજ યુરો (અંદાજે રૂ. ૫૯,૦૦૦ કરોડ)ની ડીલ થઈ છે, જોકે મંત્રાલયનું એવું પણ કહેવું છે કે ૩૬ રાફેલ દેશની સુરક્ષાની દૃષ્ટિએ ઘણાં ઓછા છે. ભારતની પાસે માત્ર ૩૩ સ્કવોડ્રન છે તેમાંથી ૧૧ સ્કવોડ્રનમાં મિગ-૨૧ અને મિગ-૨૭ ફાઈટર છે, જેમાંથી મોટા ભાગના મિગ વિમાનોની હાલત સારી નથી અને તેના કારણે મિગ અવારનવાર અકસ્માતનો ભોગ બને છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ચીન-પાકિસ્તાન તરફથી વધી રહેલા ખતરાના સંદર્ભમાં ભારતને ઓછામાં ઓછા ૪૨ સ્કવોડ્રનની જરૂર છે.

ભારતે તાજેતરમાં જ દેશમાં બનેલા બે તેજસ ફાઈટર્સને એરફોર્સમાં સામેલ કર્યા છે, જોકે તેનુ સંપૂર્ણ એડ્વાન્સ વર્ઝન ૨૦૧૮ સુધીમાં આવશે. તેજસને સામેલ કરીને ભારતે એક રીતે ફાઈટર પ્લેનની સેકન્ડ લાઈન પણ તૈયાર કરી છે. રશિયા સાથે ફિફ્થ જનરેશન ફાઈટર માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આરએનડી)ની ડિઝાઈનને આ વર્ષ આખરી ઓપ આપવામાં આવશે.
રશિયાએ ફાઈટરને લઈને ટેકનિકલ અને કિંમતને લગતા મુદ્દાનો નિવેડો લાવી દીધો છે, સાથે જ તેણે ભારતીય વાયુદળને ટેસ્ટ ફ્લાઈટ માટે મંજૂરી પણ આપી દીધી છે.

ભારત અને રશિયાએ આને લઈને ૨૦૦૭માં પ્રથમ વાર ઈન્ટર ગવર્નમેન્ટલ એગ્રીમેન્ટ કર્યો હતો. ૨૦૧૦માં ૨૯.૫ કરોડ ડોલરનો પ્રિલિ‌િમનરી ડિઝાઈન કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. આ સાથે બંને દેશ પ્રોટોટાઈપ ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ અને ઈન્ફ્રાસ્ટ્રકચર માટે આઠ અબજ ડોલર ખર્ચ કરશે. ભારતમાં ૧૨૭ સિંગલ સીટ, સ્ટીલ્થ, મલ્ટી સેન્સર ફાઈટર બનાવવામાં આવશે. આ માટે લગભગ ૨૫ અબજ ડોલર (અંદાજે રૂપિયા ૧.૫ લાખ કરોડ)નો ખર્ચ આવશે.

You might also like