ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંબંધો હવે નવી ઊંચાઈએ

તાજેતરમાં પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોએ ફરી અેક વાર સાબિત કરી દીધું છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી હવે ભારતીય રાજકારણનું કેન્દ્ર બની ગઈ છે. મે-૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં ભાજપને મળેલા નિર્ણાયક વિજય બાદ દેશમાં ભાજપની સરકાર બની હતી. ૨૦૧૪માં મળેલા વિજય બાદ દિલ્હી અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પરાજય બાદ કેટલાક લોકો મોદી લહેર અને તેમના પ્રભાવ સામે સવાલ કરવા લાગ્યા હતા, પરંતુ હવે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભારતની અેક મુખ્ય રાજકીય પાર્ટી કોંગ્રેસ સતત તેનો જનાધાર ગુમાવી રહી છે, જ્યારે બીજી તરફ ભાજપ સમગ્ર દેશમાં તેનો વ્યાપ વધારી રહ્યું છે.

પૂર્વોત્તર રાજ્ય આસામમાં પણ ભાજપે િનર્ણાયક િવજય મેળવી પ્રથમ વાર સત્તા મેળવી છે. આ ઉપરાંત કેરળ અને પ. બંગાળમાં જ્યાં અગાઉ ભાજપનું કોઈ નામોિનશાન ન હતું ત્યાં પણ આ વખતની ચૂંટણીમાં તેના મતની ટકાવારીમાં ખાસ્સો વધારો થયો છે. ભારતના લોકપ્રિય રાજનેતા તરીકે મોદીઅે તેમનું સ્થાન જાળવી રાખ્યું છે અને તાજેતરની ચૂંટણીમાં મળેલી સફળતા બાદ તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે, જેના કારણે તેઓ તેમના િવકાસના અેજન્ડાને નવા ઉત્સાહથી આગળ વધારી શકશે. બીજી તરફ કોંગ્રેસની અવરોધ પેદા કરવાની રાજની‌િતથી તેના પક્ષને હારનો સામનો કરવો પડી રહ્યો છે. તેને જોતાં અેવું લાગે છે કે મોદી સરકાર તેના મહત્ત્વપૂર્ણ સુધાર કાર્યક્રમમાં વસ્તુ સેવા કર અેટલે કે જીએસટી વિધેયકને પ્રાદેશિક પક્ષોની મદદથી સંસદમાં પસાર કરવામાં સફળ થઈ શકશે.

ભારતીય અર્થવ્યવસ્થા ૨૦૧૬માં ૭.૬ ટકાના િવકાસદર સાથે સારો દેખાવ કરશે તો તે ચીનને પણ પાછળ રાખી શકે છે, પરંતુ સંસદમાં આ મહત્ત્વપૂર્ણ સુધારવાદી કાર્યક્રમને લાગુ કરવામાં મોદીની ક્ષમતા સામે પણ કેટલાક સવાલો અને ચિંતા વ્યક્ત થઈ રહ્યાં છે.

મોદી તેમના પાંચ દેશના પ્રવાસમાં અમેરિકા ગયા હતા, જ્યાં તેમણે અમેરિકન કોંગ્રેસને સંબોધન કર્યું હતું. વડા પ્રધાન બન્યા બાદ મોદીની આ ત્રીજી અમેરિકાની યાત્રા છે, આથી ભારત અને અમેરિકા બંને દેશ વચ્ચેના સંબંધો હવે નવી ઊંચાઈઅે પહોંચી જશે. આજે અમેરિકામાં કેટલાક રાજકીય મતભેદો વચ્ચે પણ ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવાની દિશામાં અમેરિકામાં અેક પક્ષમાં સારો માહોલ ઊભો થઈ રહ્યો છે. ૨૦૧૪માં મોદીના વિજય બાદ અમેરિકાઅે મોદી સાથે સંપર્ક કરવામાં સહેજ પણ વિલંબ કર્યો ન હતો. હવે જ્યારે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે ત્યારે અમેિરકી કોંગ્રેસ ભારતના સમર્થનમાં ખૂલીને બોલી રહી છે. અમેરિકામાં પ્રભાવ ધરાવતા બંને પક્ષના નેતા દરેક મુદ્દે ભારતને ટેકો આપી રહ્યા છે.

એેક તરફ અમેરિકન કોંગ્રેસ પાકિસ્તાનને અપાનારી સૈનિક સહાયતાનો વિરોધ કરી રહી છે જ્યારે બીજી તરફ ગત સપ્તાહમાં અમેરિકન પ્રતિનિધિ સભાઅે ભારત સાથે સંરક્ષણ સંબંધોને મજબૂત કરવા અેક વિધેયકને મંજૂરી આપી છે, તેનો હેતુ ભારતને નાટોના બીજા સાથીદારની સમકક્ષ ઊભો રાખવાનો છે, જેનાથી સંરક્ષણને લગતાં સાધનોના વેચાણ અને ટેક્નોલોજીના હસ્તાંતરણમાં કોઈ અડચણ પેદા ન થાય, તેમાં અમેરિકન સરકાર પાસેથી ભારતની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવવા અને શસ્ત્રોમાં ભાગીદારી વધારવાની તકને આગળ વધારવા જણાવવામાં આવ્યું છે.

મોદી સરકારના શાસનમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સંબંધોને વધુ ગતિ મળી છે. ૨૦૧૫માં બંને દેશ વચ્ચે ૧૪ અબજ ડોલરનો કારોબાર થયો હતો. બંને દેશ વચ્ચે મહત્ત્વપૂર્ણ યોજનાઓ અંગે આયોજન થઈ રહ્યું છે અને તે માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે. સંયુક્ત સેના અભ્યાસ હવે બંને દેશની સેનાઓની દિનચર્યા બની ગઈ છે. લાંબી ખટપટ બાદ ગત મહિને ભારતે સૈદ્ધાંતિક રીતે ભારતમાં અમેરિકાને સૈન્ય બેઝ ખોલવાની સહમતિ આપી દીધી હતી. પોતાની નીતિને અેકબીજા સાથે આદાનપ્રદાન કરવા સાથે સંકળાયેલી આ સમજૂતી બંને દેશની નૌસેનાને મજબૂત બનાવશે. ક‌િઠન પરિસ્થિતિમાં પણ બંને દેશ અેકબીજાની મદદથી ઈંધણ તેમજ અન્ય જરૂરિયાત પૂરી પાડવા સક્ષમ બની શકશે.

You might also like