હા, હું ભારતીય એજન્ટ હતો, મેં સુરક્ષા એજન્સીઓને મદદ કરી હતીઃ છોટા રાજન

મુંબઈ: ગેંગસ્ટર છોટા રાજને સ્પેશિયલ કોર્ટમાં એવો દાવો કર્યો છે કે ભારતીય એજન્સીઓએ તેને મોહનકુમાર નામથી પાસપોર્ટ આપ્યો હતો, કારણ કે દાઉદ ઈબ્રાહીમના લોકો વર્ષ ૨૦૦૩માં બેંગકોક ખાતે તેની હત્યા કરવાની કોશિશ કરી રહ્યા હતા અને તેનું કારણ એ હતું કે ૧૯૯૩માં મુંબઈ બોમ્બ વિસ્ફોટના કાવતરાખોરો તથા આતંકવાદીઓ વિરુદ્ધની લડાઈમાં મેં મદદ કરી હતી. આમ, ગેંગસ્ટર છોટા રાજને એવી કબૂલાત કરી હતી કે હું ભારતીય એજન્ટ હતો.

છોટા રાજને સ્પેશિયલ જજ વિનોદકુમાર સમક્ષ આ કબૂલાત કરી હતી. તેણે નકલી પાસપોર્ટના કેસમાં આરોપી તરીકે પોતાનું એક નિવેદન નોંધાવ્યું હતું. છોટા રાજન અને પાસપોર્ટ કાર્યાલયના ત્રણ પૂર્વ અધિકારીઓ વિરુદ્ધ આ કેસ દાખલ થયેલો છે.

છોટા રાજને સ્પેશિયલ કોર્ટને જણાવ્યું હતું કે હું આપણા દેશને નુકસાન પહોંચાડતા આતંકવાદીઓ અને ભારત વિરોધી તત્ત્વો સામેના યુદ્ધમાં સામેલ હતો. આ તત્ત્વો નિર્દોષ લોકોના જાન લેવા માટે તત્પર છે. રાષ્ટ્ર‌િહતમાં ત્રાસવાદ વિરુદ્ધની લડતમાં મને જે લોકોએ મદદ કરી હતી અથવા તો મેં જેમને મદદ કરી છે તેમનાં નામ હું જાહેર કરી શકું નહીં.

છોટા રાજને વધુમાં જણાવ્યું હતું કે જ્યારે દાઉદ ઈબ્રાહીમના માણસોને ખબર પડી ગઈ કે હું મુંબઈ વિસ્ફોટના કાવતરાખોરો અંગે ભારતીય એજન્સીઓને માહિતી પહોંચાડું છું ત્યારે તેમણે દુબઈમાં મારો અસલી પાસપોર્ટ છીનવી લીધો હતો. તેમણે મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, પરંતુ હું કોઈ પણ રીતે દુબઈ ભાગી જવામાં સફળ રહ્યો હતો અને ત્યાંથી મલેશિયા પહોંચી ગયો હતો. ત્યાર બાદ બેંગકોક જતાં દાઉદના માણસોએ મારો જાન લેવાની કોશિશ કરી હતી. આ જ કારણસર મને મોહનકુમારના નામનો પાસપોર્ટ આપવામાં આવ્યો હતો.

You might also like