ભારતમાં ૨૦૨૦ સુધીમાં ૫-જી ટેક્નોલોજી લૉન્ચ થશે!

૩-જી અને ૪-જી ટેક્નોલોજી બાદ ભારત સરકાર હવે ઝડપથી પ-જી ટેક્નોલોજી લૉન્ચ કરવાની તૈયારીઓ કરી રહી છે. ૨-જી, ૩-જી અને ૪-જી ટેક્નોલોજી અપનાવવામાં ભારત ભલે દુનિયાના અન્ય દેશો કરતાં પાછળ હોય પરંતુ સરકાર હવે દેશમાં ઝડપથી ૫-જી ટેક્નોલોજી લાગુ કરવા જઈ રહી છે. આ ટેક્નોલોજી લૉન્ચ કરવા ભારત સરકારે વર્ષ ૨૦૨૦ સુધીનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

૫-જી ટેક્નોલોજીના ભારતમાં લૉન્ચિંગ માટે સરકારે એક ખાસ રિસર્ચ ટીમ તૈયાર કરી છે. જેણે અત્યાર સુધી ૧૦૦થી વધુ પેટન્ટ માટે અરજી દાખલ કરી છે. જેમાંથી ૧૦ પેટન્ટને મંજૂરી પણ આપી દેવાઈ છે. ૫-જી એ વાયરલેસ નેટવર્કની પાંચમી જનરેશન છે. જેનાથી ઈન્ટરનેટધારકોને વધુ સારી સ્પીડ મળશે તેમજ ડ્રાઈવરલેસ કાર, હોમ એપ્લાયન્સીસ જેવી અનેક અત્યાધુનિક ડિવાઈસને ઓપરેટ કરવાની ક્ષમતા પણ તેમાં હશે. રિસર્ચ ટીમમાં સામેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી હૈદરાબાદના પ્રોફેસર કિરણ કુચીએ જણાવ્યું કે, “દેશમાં ઝડપથી ૫-જી લૉન્ચ કરવાની યોજના પર અમે કામ કરી રહ્યા છીએ. આ યોજનામાં વર્ષ ૨૦૨૦ સુધીમાં ભારતમાં ૫-જી લૉન્ચ કરવામાં આવશે.” આ ટીમમાં આઈઆઈએસસી બેંગલુરુ, આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી હૈદરાબાદ અને આઈઆઈટી મદ્રાસના ટોચના સંશોધકોનો સમાવેશ કરાયો છે.

આ રિસર્ચ પ્રોજેક્ટ મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૫માં ૩૬.૫૧ કરોડ રૂપિયાના પ્રારંભિક બજેટ સાથે શરૂ કરવામાં આવ્યો હતો.

You might also like