સ્વાતંત્ર્ય પર્વનો મોદીનો સંકેત પાક.ને સમજાશે?

ભારત અને પાકિસ્તાન પરસ્પરના સંબંધો સુધારવા માટે મંત્રણા કરતા રહેવાના દંભી ક્રિયાકાંડની પશ્ચાદ્-ભૂમાં હવે પદ્ધતિસર રીતે વાસ્તવિક મુદ્દાઓ પરત્વે સામસામે શીતયુદ્ધમાં વ્યસ્ત બન્યા છે. પાકિસ્તાનમાં સાર્ક દેશોના ગૃહ પ્રધાનોની બેઠકમાં રાજનાથસિંહે ભારતના આવા વલણનો પરચો બતાવ્યા પછી ભારતના ૭૦મા સ્વાતંત્ર્ય પર્વે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મીર, ગિલગીટ, બાલ્ટીસ્તાન અને બલુચિસ્તાનના ઉલ્લેખ દ્વારા પાકિસ્તાનને સીધો અને સ્પષ્ટ મેસેજ આપવાનું કામ કર્યું છે.

સ્વાતંત્ર્ય પ્રાપ્તિનાં આટલાં વર્ષોમાં ક્યારેય કોઈ વડા પ્રધાને પંદર ઓગસ્ટના પ્રવચનમાં આ પ્રકારના ઉલ્લેખો કર્યા નથી. વડા પ્રધાને કયા સંદર્ભમાં આ ઉલ્લેખો કર્યા છે એ પાકિસ્તાનના શાસકો અને વિશ્વના રાજદ્વારીઓ સમજી ચૂક્યા છે. ૨૦૧૪ના જૂન પછીના ભારતને અગાઉનું ભારત માનવાની પાકિસ્તાને ભૂલ કરવા જેવી નથી. ૨૦૧૬ની પંદર ઓગસ્ટે બંને દેશો વચ્ચે એક નવી અદ્રશ્ય લક્ષ્મણરેખાને અંકિત કરવાનું કામ કર્યું છે. એ લક્ષ્મણરેખાને પાર કરવાનો પ્રયાસ કરતાં જ હવે પાકિસ્તાનને જે ભાષા સમજાય છે એવી ભાષામાં જવાબ મળવાની સંભાવના વધી ગઈ છે.

૧૪મી ઓગસ્ટના તેના સ્વાતંત્ર્ય દિનને કાશ્મીરની આઝાદી માટે સમર્પિત કરવાની જાહેરાત કરીને કાશ્મીરના જેહાદીઓને રાજદ્વારી, રાજકીય અને નૈતિક સમર્થન આપવાની ખુલ્લેઆમ ઘોષણા કરીને પાકિસ્તાન એક પ્રકારે કાશ્મીરમાં ત્રાસવાદને સમર્થન આપવાના ઉત્સાહમાં નિર્લજ્જ બનવાની સાથે નિર્વસ્ત્ર પણ બની ગયું છે. ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ અને ભારતમાં પાકિસ્તાનના રાજદૂતે સમાન શબ્દોમાં આ વાત દોહરાવી એ પછી ભારતના વડા પ્રધાને અત્યંત સંયમી ભાષામાં ડિપ્લોમેટિક શૈલીમાં પાકિસ્તાનને પંદરમી ઓગસ્ટે સંદેશો આપી દીધો છે.

૧૪ ઓગસ્ટ પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિને તેના કબ્જા હેઠળના કાશ્મીરમાં પાકિસ્તાનમાં પાકિસ્તાનની સરકાર અને સૈન્યના વિરોધમાં દેખાવો થયા અને બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યના અત્યાચારો સામે અવાજ બુલંદ બન્યો, પાકિસ્તાનના ગેરકાયદે કબજામાંથી એ પ્રદેશને છોડાવવા માટે ભારતની મદદ માગતા નારા ગુંજ્યા. પાકિસ્તાની સૈન્ય અને નવાઝ શરીફ સરકારની ઊંઘ હરામ કરવા માટે આ ઘટનાઓ પર્યાપ્ત છે. પાકિસ્તાનના સ્વાતંત્ર્ય પર્વને કાશ્મીરની આઝાદી માટે સમર્પિત કરવાની હરકતનો જવાબ પણ ભારત સરકારે તત્કાલ અને રોકડો જ આપ્યો છે.

પીએમઓમાં રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્રસિંહે તિરંગા યાત્રા સાથે જમ્મુ ક્ષેત્રના સાંબા ખાતે પહોંચીને જાહેર કર્યું કે આ યાત્રાની વાસ્તવિક સફળતા ત્યારે જ ગણાશે જ્યારે આપણે પાક. કબજાગ્રસ્ત કાશ્મીરમાં કોટલી અને મુઝફ્ફરાબાદમાં તિરંગો લહેરાવીશું. તેના સ્વાતંત્ર્યની લડાઈ હજુ બાકી છે. યાદ રહે, ભારત સરકારના એક પ્રધાનના આ શબ્દો છે અને આવી ભાષાનો અગાઉ કોઈ સરકારના પ્રધાને ઉપયોગ કર્યો નથી. પંદરમી ઓગસ્ટના ભારતના વડા પ્રધાનના પ્રવચનના સંદર્ભમાં બલુચિસ્તાનના આંદોલનના અગ્રણીઓએ થોડા જ કલાકોમાં નરેન્દ્ર મોદીનો જાહેરમાં આભાર માન્યો.

એ સાથે જ પાકિસ્તાનમાં ધરતી ધ્રૂજી અને પાકિસ્તાન સરકારે વિદેશ વસતા બલુચ નેતાઓને પાકિસ્તાન પાછા આવી ચર્ચા કરવાનું ઇજન આપ્યું છે. પણ પાકિસ્તાનના ફરેબી શાસકો, સૈન્ય અને આઈએસઆઈનો વિશ્વાસ કોણ કરે? કાશ્મીરી જેહાદીઓને નૈતિક અને રાજકીય સમર્થન આપવાની વાત કરનાર પાકિસ્તાનના રાજદૂત અબ્દુલ બાસીતને ઇસ્લામાબાદ પાછા મોકલી દેવાની માગણી થઈ છે. આ માગણી આરએસએસની થિંક ટેંકના સભ્ય રાકેશ સિંહા દ્વારા કરવામાં આવી છે.

તેમણે આગામી વર્ષે ૨૦૧૭માં પાકિસ્તાનના સિંધ અને બલુચિસ્તાન સહિત ત્રણ સ્થળોએ ભારતનો સ્વાતંત્ર્ય દિન મનાવવાનો સંકલ્પ જાહેર કર્યો છે, એ પણ સૂચક ગણાવું જોઈએ. ભારત અને પાકિસ્તાન પરસ્પરના સંબંધોમાં કઈ દિશામાં આગળ વધી રહ્યા છે એ સમજવા માટે આ ઘટનાક્રમના સંકેતો સ્પષ્ટ છે. આ શીત-યુદ્ધ શીત જ રહેશે કે વાસ્તવિક’સમર’માં પલટાઈ જશે તેનો આધાર પાકિસ્તાનનાં વલણ અને વ્યવહાર પર રહેશે.

You might also like