મુસાફરોની મૂંઝવણ વધારતું એએમટીએસ!

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ઘેરી બની રહી છે. શહેરનાં લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુમાં વધુ ઉપયોગ કરે એ હેતુથી શરૂ કરાયેલી બીઆરટીએસ સેવા પણ સમસ્યામાંથી મુક્તિ અપાવી શકી નથી. હવે ઘણાં રૂટ પર એએમટીએસની બસોને બીઆરટીએસ રૂટ પર દોડાવાતા ટ્રાફિકની સમસ્યા થોડીક હળવી થઈ છે, પરંતુ આ સમસ્યા હલ કરતાં બીજી નવી સમસ્યા ઉદ્ભવી છે.

એએમટીએસના મુસાફરો બસસ્ટોપની બહાર બસની રાહ જુએ છે, તો અડધા મુસાફરો બીઆરટીએસની રેલિંગ પાસે, મતલબ કે રોડની વચ્ચે ઊભા રહીને બસની રાહ જુએ છે, કારણ કે બીઆરટીએસ રૂટ પર દોડતી એએમટીએસની બસોને રૂટમાંથી બહાર નીકળીને સ્ટોપ પર જવું પડે છે, પરંતુ કેટલીક બસો રૂટમાંથી બહાર નિકળવાની તસ્દી લેતી નથી.

આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહ કહે છે, “ટ્રાફિકનું ભારણ ઘટાડવા કમિશનરના આદેશથી બીઆરટીએસના કુલ ૧૭ રૂટ પર એએમટીએસની ૧૭૬ બસો દોડાવવાની શરૂ કરી છે. તિલકબાગ-સારંગપુર રૂટ પર દોડતી ૩૦૦ બસોમાંથી ૧૫૦ બસોને અને ૨૬ બસો સોલા અને નરોડા વિસ્તારમાં બીઆરટીએસના રૂટ પર દોડે છે.

આ નિર્ણયથી ટ્રાફિક ઉપર સકારાત્મક અસર પડી છે. બીઆરટીએસના રૂટમાં દોડતી બસો માટે અમે બીઆરટીએસ સ્ટેશન પર જ એએમટીએસના મુસાફરોને ઊભા રાખવાની વ્યવસ્થા ઊભી કરી છે. શરૂઆતના ૧૫ દિવસ માટે બીઆરટીએસ સ્ટેશન પર એએમટીએસના મુસાફરોને માર્ગદર્શિત કરવા માણસોને પણ તહેનાત કર્યા હતા તથા બીઆરટીએસ સ્ટોપ પર એએમટીએસના મુસાફરો માટે દિશાનિર્દેશ કરતાં બોર્ડ પણ મૂકી દેવામાં આવ્યાં છે.”

You might also like