મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એસઆઈપીમાં રોકાણનો વધતો ટ્રેન્ડ

મુંબઇ: શેરબજારમાં સુધારાની ચાલ જોવા મળી રહી છે. નિફ્ટીએ ૧૦,૩૦૦ની સપાટી ક્રોસ કરી દીધી છે ત્યારેરિટેલ રોકાણકારો દ્વારા શેરબજારમાં સીધું રોકાણ કરવાના બદલે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એસઆઇપીમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. માર્ચ ૨૦૧૭માં એસઆઇપીની સંખ્યામાં થયેલી વૃદ્ધિ તેના સંકેત આપે છે. અગાઉ રોકાણકારો પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ થકી શેરબજારમાં સીધું રોકાણ કરતા હતા. તે માટે ડિમેટ એકાઉન્ટ ખોલાવતા હતા.

સીડીએસએલના ડેટા મુજબ વર્ષ ૨૦૦૭માં ડિમેટ એકાઉન્ટની સંખ્યામાં ૨૫ ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે વર્ષ ૨૦૦૬માં આ સંખ્યામાં ૨૨ ટકાની વૃદ્ધિ નોંધાઇ હતી, જ્યારે તેની સરખામણીએ વર્ષ ૨૦૧૭માં અત્યાર સુધીમાં ડિમેટ એકાઉન્ટની સંખ્યામાં માત્ર ૧૧ ટકાનો વધારો નોંધાયો છે.

જ્યારે તેની સરખામણીએ એસઆઇપીમાં માસિક રોકાણ બમણું થયું છે. માર્ચ ૨૦૧૬માં આ આંકડો રૂ. ૨,૭૧૯ કરોડનો હતો, જે માર્ચ ૨૦૧૭માં વધીને રૂ. ૩,૯૮૯ કરોડની સપાટીએ પહોંચ્યું છે.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છતા લોકો બજારમાં સીધું રોકાણ કરવાના બદલે મ્યુચ્યુઅલ ફંડ એસઆઇપી દ્વારા રોકાણ કરી રહ્યા છે. દર મહિને ચોક્કસ રોકાણ કરવાની સુવિધા હોવાથી રોકાણકાર એસઆઇપી દ્વારા રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

You might also like