દિલ્હીનાં તમામ ચર્ચ અને મુખ્ય ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારાઈ: હાઈ એલર્ટ જારી

ઈસ્ટરની પ્રાર્થના સભા દરમિયાન રવિવારે શ્રીલંકામાં એક બાદ એક થયેલા આઠ બ્લાસ્ટ બાદ દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ હાઈ એલર્ટ જારી કર્યું છે. દિલ્હી પોલીસ તરફથી તમામ ચર્ચ અને મુખ્ય ધાર્મિક સ્થળો તથા વિદેશી નાગરિકોની અવરજવરવાળા વિસ્તારમાં કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

ઈન્ટેલિજન્સ એજન્સીઓ અને દિલ્હી પોલીસ હાલ સુરક્ષાવ્યવસ્થાનો રિવ્યૂ કરી રહ્યાં છે. ખાસ કરીને ડિપ્લોમેટ વિસ્તારો, ખ્રિસ્તી સમાજની વસ્તી વધારે હોય તેવાં સ્થળો, પાદરી, નન અને મિશનરી સ્કૂલોમાં સુરક્ષા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં લગભગ ર૪પ ચર્ચ આવેલાં છે, તેમાં દિલશાદ ગાર્ડનમાં સેન્ટ સેબેસ્ટિયન, વસંતકુંજમાં સેન્ટ એલફોન્સા ચર્ચ, જસોલામાં સાયરો માલાબાર કેથલિક ચર્ચ, અવર લેડી ઓફ ગ્રેસેસ ચર્ચ સંવદનશીલ જાહેર કરવામાં આવ્યાં છે. આ તમામ ચર્ચમાં ભૂતકાળમાં પણ હુમલાની ઘટનાઓ બનેલી છે. તેથી ત્યાં વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. શ્રીલંકામાં થયેલા અત્યાર સુધીના સૌથી મોટા આતંકી હુમલા બાદ રાજધાની દિલ્હીનાં તમામ ચર્ચમાં તાત્કાલિક ધોરણે સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આઈએસઆઈએસ અને પાકિસ્તાની આતંકી સંગઠનો ઘણા લાંબા સમયથી રાજધાની દિલ્હી પર આતંકી હુમલા કરવાનાં ષડ્યંત્ર બનાવી રહ્યાં છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓ પણ દરેક ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખીને બેઠી છે. હાલ લોકસભા ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે આવી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરી તકેદારી રાખવામાં આવી રહી હોવાનું દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે.

તમામ ફાઈવસ્ટાર હોટલના મેનેજમેન્ટને સુરક્ષાના નિયમોનું ચુસ્ત પાલન કરવાના આદેશ જારી કરી દેવાયા છે. સીસીટીવી કેમેરા દ્વારા બાજનજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને દિલ્હી એરપોર્ટ, મેટ્રો સ્ટેશન, રેલવે સ્ટેશન, મોટાં અને જાણીતાં પર્યટક સ્થળોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

You might also like