પાણીનાં પાઉચનો ધીખતો ધંધોઃ ગુણવત્તા રામ ભરોસે

અમદાવાદ: ઉનાળાના આકરા તાપમાં લોકો માટે કાળઝાળ ગરમી સામે તત્કાળ રક્ષણ મેળવવાનો હાથવગો ઉપાય શહેરભરમાં વેચાતાં પ્લાસ્ટિકનાં પાણીનાં પાઉચ છે. આપણા ગુજરાત સિવાય અડોશ પડોશના રાજસ્થાન કે મુંબઇ-મહારાષ્ટ્ર સહિત કયાંય પણ આ પ્રકારનો પાણીનો વેપલો થતો નહીં હોય. અમદાવાદમાં તો સામાન્ય પાનના ગલ્લેથી પણ પ્લાસ્ટિકનાં પાણીનાં પાઉચ મળી રહે છે.

જોકે મ્યુનિ. હેલ્થ વિભાગની અક્ષમ્ય બેદરકારીથી એક પ્રકારે પ્લાસ્ટિકનાં પાણીનાં પાઉચનું કામકાજ ગૃહ ઉદ્યોગ જેવું બન્યું છે. આ પાઉચમાં અપાતા પાણીની ગુણવત્તાની કોઈ ચકાસણી થતી નથી. મ્યુનિ. કોર્પોરેશન દર ચોમાસામાં જળબંબાકાર થતાં શહેરને માટે સીધે સીધો દોષનો ટોપલો પ્લાસ્ટિકનાં પાઉચ પર ઢોળે છે.

પ્લાસ્ટિકનાં પાઉચથી ગટર ચોકઅપ થતી હોઇ ગટર ઊભરાતી હોવાનું એક માત્ર કારણ તંત્ર પોતાના પ્રિ-મોન્સૂન એકશન પ્લાનની નિષ્ફળતા છુપાવવા માટે કરે છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ પણ છે કે સત્તાવાળાઓ અમદાવાદમાં બેફામ રીતે વકરેલા પાણીનાં પાઉચનાં ગૃહ ઉદ્યોગ પર લગામ કસવામાં સદંતર નિષ્ફળ નીવડયા છે.

અમદાવાદમાં ઉનાળાની ત્વચાને દઝાડે તેવી ગરમીની આ સિઝનમાં દરરોજ ઓછાંમાં ઓછાં એક લાખ પ્લાસ્ટિકના પાઉચનો વેપાર થાય છે. આમાં અઢળક નફો દેખીને શહેરમાં અનેક કાયદેસરની અને ગેરકાયદેની પાણીનાં પાઉચ બનાવતી ફેકટરીઓ ઊભી થઇ છે. આ તમામ ફેકટરીઓમાં આરોગ્યપ્રદ પાણીનાં પાઉચનું ઉત્પાદન કરવા ઓછામાં ઓછું દસ લાખ રૂપિયાનું રોકાણ કરવું જરૂરી હોય છે. તેમ છતાં કેટલાક લેભાગુ ફેકટરી માલિકો સીધા બોરના પાણીથી પેકેજિંગ યુનિટ મારફતે પાણીના પાઉચ તૈયાર કરીને રોકડી કરી રહ્યા છે. આવા બોરનાં પાણીથી બનાવેલા પાણીનાં પાઉચને મુંબઇ સ્થિત કેન્દ્રીય લેબનો બીઆઇએસ (બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ)નો નંબર પણ મળી જાય છે. રાજ્યના તોલમાપ વિભાગની કૃપાથી પાણીનાં પાઉચનાં વજન કિંમતમાં પણ મનમાની કરી શકાય છે.

સામાન્ય રીતે પાઉચનાં પેકિંગના સાત ‌દિવસમાં તેના પાણીનો ઉપયોગ કરવાનો હોય છે, પરંતુ અનેક પાઉચનાં કહેવાતા ઉત્પાદકો આ બાબતની જાણકારી લોકોને આપતા નથી.

અા અંગે મ્યુનિ. હેલ્થ વિભાગના ઈન્ચાર્જ ડો. ભાવિન સોલંકી કહે છે કે પાઉચ પર પ્રતિબંધ કેવી રીતે મૂકાય તંત્ર પાઉચની ફેકટરીને સીલ પણ મારે છે. જો કે હજુ એક પણ ફેક્ટરીને સીલ મરાયું નથી.

શહેરના ગોતા, ઓગણજ, સરખેજ, વટવા, નરોડા જીઆઇડીસી, નારોલ, ચાંગોદર વગેરે વિસ્તારોમાં પાણીનાં પાઉચ બનાવતી ફેકટરીઓનો ધમધમાટ છે. જે ર૦૦થી રપ૦ એમએલનાં પાઉચનું ઉત્પાદન કરે છે.

You might also like