સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાનો આતંક, એકનો આત્મવિલોપનનો પ્રયાસ

સુરેન્દ્રનગર: જિલ્લામાં માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર જમીનો પર દબાણોના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા રજૂઆત બાદ પણ દૂર ન કરાતા કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતે એક શખ્સે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. જોકે પોલીસે આગ ચાંપે તે પહેલા જ અટકાયત કરી લીધી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે જમીન, પ્લોટ, જાહેર રસ્તા પર દબાણોના બનાવો વધી રહ્યા છે. ત્યારે ચુડા તાલુકાના ચોકડી ગામે માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર દબાણ અંગે મૂળ ચોકડીના વતની અને હાલ વઢવાણ રહેતા ભરતસિંહ સિંધવ એ અનેક વખત ચુડા ટીડીઓ, મામલતદાર, લીંબડી નાયબ કલેકટર સહીત જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆતો કરી હતી. તેમજ ગેરકાયદેસર દબાણ મુદ્દે લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા ભરતસિંહ સિંધવએ કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

જોકે આગ ચાંપવા જાય તે પહેલા જ હાજર લોકો અને એલસીબી પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા કલેકટર કચેરીમાં જ આત્મવિલોપનના પ્રયાસ દરમિયાન તમામ સરકારી અધિકારીઓ સેવા સેતુ કાર્યક્રમમાં વ્યસ્ત હતા પરંતુ પોલીસ અને શહેરીજનોની સતર્કતાના કારણે આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

You might also like