જમીન ટોચમર્યાદા હેઠળની જમીનના રહેણાકની ચુકવણીની મુદત વધી

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ગૃહના ચોમાસુ સત્રના બીજા અને અંતિમ દિવસે આજે ગૃહમાં ચાર વિધેયકો રજૂ કરાયાં હતાં. ગુજરાત સહકારી મંડળી સુધારા વિધેયક કે જેમાં દરેક સહકારી મંડળી પોતાની અનુકૂળતાએ ચૂંટણી કરે તે બાબતનો સમાવેશ કરાયો છે. વિધાનસભા ગૃહમાં ગુજરાત સહકારી મંડળી સુધારા વિધેયક બહુમતીથી પસાર કરાયું હતું. આ ઉપરાંત ગુજરાત સિંગલ વિન્ડો ક્લિયરન્સ વિધેયક, ગુજરાત ખેત જમીન ટોચમર્યાદા સુધારા વિધેયક (સુધારા વધારતું વિધેયક) તેમજ ગુજરાત શહેરી જમીન ટોચમર્યાદા અને નિયમન સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરાયા હતા.

શહેરી જમીન ટોચ મર્યાદા અધિનિયમ હેઠળ કેટલીક જમીનના ભોગવટાની માન્યતા અને તેની ફાળવણી તેમજ જમીનના ભોગવટાને માન્ય કરવા સરકારે બનાવેલી યોજનાને સફળ પ્રતિસાદ નહીં મળતાં હવે તેમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે અને તે અંગેનું વિધેયક આજે વિધાનસભામાં રજૂ કરાયું હતું અને તેને બહુમતીથી મંજૂર કરાયું હતું.

સરકારી જમીનમાં બનાવાયેલાં રહેણાકને કાયદેસરતા આપવા માટે સરકારે કેટલાક નિયમો બનાવ્યા હતા. જેને પ્રતિસાદ નહીં મળતાં સુધારાના ભાગ રૂપે હવે રહેણાક ધરાવનાર વ્યક્તિને બેન્ક લોન મેળવવા માટે હવે કબજા ભોગવટાનાં ૧પ વર્ષ હોવાની બાબત આડે આવશે નહીં. એટલું જ નહીં કાયદેસર રહેણાક કરવા માટે સરકારને આપેલી અરજી બાદ હવે એક મહિનાના સમયગાળામાં ચૂકવણી કરવાની રહેશે નહીં. સરકાર કેટલા સમયમાં ચૂકવણી કરવી તે નક્કી કરશે અને નિયમો જાહેર કરશે.

બે સુધારા સાથેના વિધેયકને મંજૂરી બાદ હવે સરકારી જમીનમાં બનેલાં ગેરકાયદે ઝૂંપડાં કે મકાનને હવે એક મહિનામાં નાણાં ચૂકવણી અને બેન્ક લોન લેવા માટે ૧પ વર્ષ ભોગવટા-હકની મર્યાદા નડશે નહીં.

http://sambhaavnews.com/

You might also like