વડોદરામાં પાણીજન્ય રોગચાળાનો ભરડો, ઝાડા-ઉલ્ટીનાં કેસમાં વધારો

વડોદરાઃ ચોમાસાની શરૂઆત થતાં જ સ્માર્ટ સિટી વડોદરામાં રોગચાળાએ ભરડો લીધો છે. પાણીજન્ય રોગચાળો સતત વધતો જ જઈ રહ્યો છે. ખાસ કરીને કોલેરા, ઝાડા-ઉલ્ટી સહિતનાં પાણીજન્ય રોગોનાં કેસ વધી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ બે બાળકોનાં મોત પણ થઈ ચૂક્યાં છે. શહેરનાં ભવાની વાસમાં એક દોઢ વર્ષનાં બાળકનું ઝાડા-ઉલ્ટીનાં કારણે મોત થયું છે તો અન્ય એક ત્રણ વર્ષની બાળકીનું મોત પણ થયું છે.

રોગચાળાએ એવી માઝા મુકી છે ત્યારે તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે એવો લોકો આક્ષેપ લગાવી રહ્યાં છે. અનેક વિસ્તારોમાં પીવાનું પાણી ખૂબ ગંદુ આવી રહ્યું છે. પાણીમાં ગટરનું પાણી મીક્સ થાય છે. જેનાં કારણે રોગચાળો ફેલાયો છે.

વડોદરામાં રોગચાળો રોજ નવા વિસ્તારને પોતાનાં ભરડામાં લઇ રહ્યો છે અને પાણીજન્ય રોગચાળાનો વિસ્તાર સતત વધી રહ્યો છે. આજે ફરી વધુ બે વિસ્તારોમાં રોગચાળો જોવાં મળ્યો છે. જેતલપુર વિસ્તારમાં આવેલા ભવાનીએ વાસમાં દોઢ વર્ષનાં બાળકનું મોત થયું છે.

સ્માર્ટ સીટી વડોદરાની નારી વાસ્તવિકતા માત્ર થોડાંક વરસાદમાં જ બહાર આવી રહી છે. વડોદરાનાં નવાપુરા વિસ્તારમાં બાદ વારસિયા અને હવે જેતલપુર રોડ, નવાયાર્ડ અને ટીપી 13 વિસ્તારમાં રોગચાળાએ ભરડો લીધો છે. અનેક લોકો કોલેરા અને અન્ય બીમારીમાં સપડાયાં છે.

જેતલપુર રોડ પર આવેલાં ભવાનીએ વાસમાં ઝાડા ઊલ્ટીનાં કારણે દોઢ વર્ષનાં બાળક ચિરાગ મહેશભાઈ માળીનું મોત થયું છે. જયારે અન્ય એક ત્રણ વર્ષની બાળકીનું પણ મોત થયું છે. આ તમામ વિસ્તારોમાં આવતું પીવાનું પાણી ગંદુ હોય છે અને લોકોને દહેશત છે કે ગટરનું પાણી પીવાનાં પાણીમાં મિક્ષ થયું છે જેનાં કારણે આ રોગચાળો ફાટી નીકળ્યો છે. આજે આ વિસ્તારમાં ઘેર-ઘેર માંદગીનાં ખાટલા છે.

રોગચાળામાં સપડાતા તમામ વિસ્તારનાં લોકોની એક જ સમસ્યા છે કે પાણી ગંદુ આવે છે અને વિસ્તારમાં પૂરતી સફાઈ કરવામાં આવતી નથી જેનાં કારણે આ રોગચાળો ફાટી નીકળે છે. પીવાનાં પાણી સાથે ગટરનું પાણી મિક્ષ થતું હોવાની લોકોની ફરિયાદ છે અને અત્યાર સુધીમાં કોલોરેન કારણે મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે.

જો કે તંત્ર આ બાબતે કહે છે કે, યુદ્ધનાં ધોરણે કામ ચાલી રહ્યું છે અને જ્યાં પાણી લીકેજ કે રોગચાળા ફરિયાદ મળે છે ત્યાં તાત્કાલિક કામ કરવામાં આવી રહ્યું છે. છેલ્લાં અઠવાડિયાથી વડોદરા શહેરમાં નવાપુરાથી સારૂ કરીને વિવિધ વિસ્તારોમાં રોગચાળો વધી રહ્યો છે તેની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

જો કે આ તમામ બાબતો વચ્ચે લોકો ભયનાં ઓથાર નીચે જીવી રહ્યાં છે અને સરકારી બાબુઓનાં પેટનું પણ હાલતું નથી અને સબ સલામર હોવાનાં પોકળ દાવા કરવામાં આવે છે.

You might also like