વ્યક્તિગત આવકવેરાની મર્યાદા પાંચ લાખ કરવાની માગ

અમદાવાદ: દેશના ઉદ્યોગ જગતના અગ્રણી સંગઠન એસોચેમે માગ કરી છે કે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટમાં કંપની પરનો ટેક્સ ઘટાડીને ૨૫ ટકા કરવો જોઇએ એટલું જ નહીં વ્યક્તિગત આવકવેરાના ટેક્સ દરોમાં ઘટાડો તથા તેની ટેક્સ રાહતની મર્યાદા વધારીને પાંચ લાખ કરવાની માગ કરવામાં આવી છે.

રેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયા સાથે બજેટ પૂર્વે થયેલી બેઠકમાં એસોચેમ દ્વારા ટેક્સમાં રાહત આપવાની માગ કરાઇ છે. એસોચેમે જણાવ્યું છે કે પ્રસ્તાવિત જીએસટીના બહુસ્તરિય ટેક્સ માળખાને કારણે વેપાર ઉદ્યોગમાં ટેક્સનો વિવાદ વધી શકે છે, જે કારણે પ્રત્યેક ચીજવસ્તુને ટેક્સની કઇ શ્રેણીમાં દાખલ કરવી તેના ઉપર પણ સરકારે સાવધાનીપૂર્વક કાર્ય કરવું જોઇએ.

દેશમાં કન્ઝ્યુમર ગુડ્સની માગમાં વધારો થાય તથા રોકાણ માટે આકર્ષાય તે માટે કંપની કરમાં તાત્કાલિક ઘટાડો કરી ટેક્સ ૨૫ ટકા કરવો જોઇએ. સરકારે કંપની પરના ટેક્સમાં ઘટાડો કરી ઉદ્યોગનો કારોબાર વધારવા ઉપર ભાર મૂકવો જોઇએ, જેને કારણે નવી રોજગારીનું સર્જન થાય એટલું જ નહીં વ્યક્તિગત આવકવેરામાં રાહતની મર્યાદા પાંચ લાખ કરવાની પણ માગ કરવામાં આવી છે.

You might also like