સુરતી કરદાતાઓ માટે બ્લેક ઈઝ બ્યુટી!

અમદાવાદ : સુરતીઓને મોજીલા એમ જ નથી કહેવાતા. તેઓ દરેક બાબતમાં મોજ શોધી લે છે. પછી ભલેને તે કાયદા અને સમાજની નજરમાં ખરાબ કેમ ન હોય! કાળું નાણું જાહેર કરવા અંગેની કેન્દ્ર સરકારની ઇન્કમ ડિક્લેરેશન સ્કીમ (આઈડીએસ) હેઠળ સુરતીઓએ હાલ સુધીમાં લગભગ રૃપિયા ૧૨૦૦ કરોડ જાહેર કર્યા છે. આ સ્કીમ માટેનો છેલ્લો દિવસ ૩૦ સપ્ટેમ્બર છે, ત્યાં સુધી આંકડો રૃપિયા ૧૫૦૦ કરોડ સુધી પહોંચે તેવી આશા છે.

મઝાની વાત તો એ છે કે કાળું નાણું જાહેર કરવાની સરકારની સ્કીમ હેઠળ કાળું નાણું જાહેર કરવામાં હરીફાઇ તો થઇ રહી છે, સાથે જ મીડિયામાં નામો છપાવવામાં પણ કોઇ છોછ નથી. કાળંુ નાણું જાહેર કરીને તેનો પણ આનંદ લેવામાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઊભું થયું છે. જોકે, આનાથી પરેશાન આઈટી ડિપાર્ટમેન્ટે ખુલાસો કરવો પડ્યો કે તેઓ કોઇનાં નામ  મીડિયાને અપાતાં નથી અને નામો જાહેર કરવાં નિયમ વિરુદ્ધ છે.

ઈન્કમટેક્સ વિભાગ મૂંઝવણમાં
સોમવાર, ૨૬ સપ્ટેમ્બરે સુરતના આઇટી વિભાગે મીડિયાને પ્રેસનોટ મોકલીને સ્પષ્ટતા કરવી પડી કે છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં ઇન્કમ ડિક્લેરેશન સ્કીમ હેઠળ કરદાતાઓએ જાહેર કરેલી રકમ અને તેમનાં નામ બહાર આવી રહ્યાં છે. આ નામો ઇન્કમટેક્સ વિભાગ કે તેના અધિકારીઓ તરફથી આપવામાં આવ્યાં નથી કે રકમ પણ જણાવવામાં આવી નથી, કારણ કે આવું કરવું તે નિયમ વિરુદ્ધ છે. નામ જાહેર કરવાના આ ટ્રેન્ડથી ઈન્કમટેક્સ વિભાગ મૂંઝવણમાં છે અને તે હવેથી નામો જાહેર ન કરવાં માટે પણ જણાવી રહ્યો છે.

ઇન્કમટેક્સ વિભાગે આ સ્કીમ બંધ થવાના ચાર દિવસ પહેલાં જ આવું કેમ કરવંુ પડ્યું, તે ચર્ચાનો વિષય છે. કોઇ એકાદ કરદાતાએ આ અંગે ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી હોય અથવા બીજા કરદાતાઓ હવે વધુ નાણાં જાહેર કરવાથી ડરી રહ્યા હોય. પણ હવે સ્પષ્ટતા કરવાથી શું? એ મોટો સવાલ છે. જે લોકો સામેથી પોતાનાં નામ જાહેર કરી રહ્યા છે તે રોકાશે ખરા?

નામ જાણીજોઇને જાહેર કરાવ્યાં
ખરેખર જે પણ નામ મીડિયામાં આવી રહ્યાં હતાં તે નામો મોટાભાગે જે તે કરદાતાઓનાં ચાર્ટર્ડ એકાઉન્ટ્સ તરફથી આપવામાં આવી રહ્યાં હતાં. જે માટે જે-તે કરદાતાઓ પણ કોઇ વિરોધ કરતા ન હતા. ઘણા તો સામેથી તેમણે જાહેર કરેલાં નાણાં અંગે બતાવી રહ્યા હતા. સૂત્રો જણાવે છે કે સર્ચ કે સરવૅ ઓપરેશનથી બચવા માટે પણ ઘણાંએ પોતાનાં નામ સામેથી જાહેર કરાવ્યાં છે. કેટલાક કિસ્સાઓમાં ઇન્કમટેક્સ અધિકારીઓએ પણ નામ આપ્યાં હોય તેવું બની શકે. જોકે, સ્કીમ બંધ થવાના ચાર દિવસ પહેલાં ઇન્કમટેક્સ વિભાગ કેમ જાગ્યો? એ સવાલ અંગે ચીફ ઈન્કમટેક્સ કમિશનર હેમેન્દ્ર પાટીદારે કહ્યું કે, “આ સ્કીમ જાહેર થઇ ત્યારે જ કરદાતાઓને ખાતરી અપાઈ હતી કે તેમની કોઇ માહિતી જાહેર કરવામાં નહીં આવે. હવે જો કોઇ રીતે આવું થઇ રહ્યું હોય તો તે અટકાવવાની જવાબદારી વિભાગની છે. સુરતમાંથી કેટલી રકમ જાહેર થઇ? તે અંગે તેમણે કહ્યું કે,તે કહી શકાય નહીં પરંતુ એટલું કહી શકાય કે દેશમાં સૌથી વધુ મુંબઇ તે પછી દિલ્હી અને ત્રીજા ક્રમે ગુજરાતમાંથી ડિક્લેરેશન થયાં છે.”

આ રીતે સામેથી કાળું નાણું જાહેર કરવા અંગે એક અધિકારીએ કહ્યું કે, “નામો જાહેર કરવાથી એક મોટો ખતરો ખંડણીના ફોનનો છે. આ તો ઠીક છે કે ગુજરાત છે એટલે આવું કંઈ થયું નથી, પરંતુ અન્ય રાજ્યોમાં તો નાણાં જાહેર કરનારા પર ખંડણીના ફોન આવવા લાગે. એટલે નામો જાહેર કરવાં ન જોઇએ.”

શું છે આઈડીએસ સ્કીમ?
ઇન્કમ ડિક્લેરેશન સ્કીમ ૧ જૂન ૨૦૧૬થી અમલમાં આવી હતી. જે હેઠળ કોઇ પણ કરદાતા ૨૦૧૫-૧૬ને અંતે જાહેર નહીં કરેલાં કાળાં નાણાંની જાહેરાત કરી શકે. કરદાતાએ ટેક્સ, સરચાર્જ અને પેનલ્ટી મળીને જાહેર કરેલાં નાણાંનો ૪૫ ટકા ટેક્સ ભરવાનો રહેશે. આ જાહેરાત કર્યા પછી તેને પ્રોપર્ટી ટેક્સમાં પણ છૂટ મળશે. આ ઉપરાંત ભવિષ્યમાં કોઇ પણ પ્રકારનું એસેસમેન્ટ કે પૂછપરછ પણ થશે નહીં. કરદાતાએ ૩૦ નવેમ્બર સુધીમાં ટેક્સ ભરી દેવાનો રહેશે. કરદાતા કાળાં નાણાંની જાહેરાત ઓનલાઇન અથવા જે તે વિસ્તારની કચેરીમાં કરી શકે.

અઢી કરોડથી ૧૨૫ કરોડ સુધી જાહેર થયાં
સુરતમાં કાળાં નાણાં જાહેર કરવામાં ૯૦ ટકા બિલ્ડર્સ છે. જેમાં રૃ. અઢી કરોડથી લઈ ૧૨૫ કરોડ સુધી જાહેર કરનારા છે. બે બિલ્ડરોએ તો વડા પ્રધાન નવસારી આવવાના હતા તેની આગલી સાંજે જ રૃપિયા ૧૫૨ કરોડ જાહેર કર્યા હોવાની વાત બહાર આવી હતી. કાળાં નાણાં જાહેર કરનારા અન્ય કરદાતાઓમાં ડૉક્ટર્સ, જ્વેલર્સ, હીરા વેપારી અને કાપડના વેપારીઓનો સમાવેશ થાય છે. સુરતના ફાસ્ટફૂડ જોઇન્ટ્સ ધરાવતા કરદાતાઓએ પણ રૃપિયા ૬૦ લાખ સુધી જાહેર કર્યા છે.

કાળાં નાણાંની આ જાહેરાતમાં શહેરના બિલ્ડર્સનો પણ સમાવેશ થાય છે. શહેરના સિટી લાઈટ વિસ્તારના એક બિલ્ડરે રૃપિયા ૩૧ કરોડનાં કાળાં નાણાંની જાહેરાત કરી છે તો અડાજણ વિસ્તારના એક બિલ્ડરે પણ રૃપિયા ૧૪ કરોડની જાહેરાત કરી છે તથા અલથાણના બિલ્ડરે પણ ૧૦ કરોડની જાહેરાત કરી છે.

પરવત પાટિયા વિસ્તારના તથા કોસાડના બિલ્ડરે અનુક્રમે પાંચ કરોડ તથા અઢી કરોડનાં કાળાં નાણાંની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ સુરતના આવકવેરા વિભાગ પાસે આઈડીએસ હેઠળ જાહેર કરાયેલાં નાણાંનો આંકડો રૃપિયા ૧૦૦૦ કરોડને પાર કરી ગયો હતો. સુરત ઉપરાંત નવસારી અને વાપીની આવકવેરા કમિશનરની કચેરીમાં પણ  રૃપિયા ૩૫૦ કરોડ જેટલાં કાળાં નાણાંની જાહેરાત કરાઈ છે.

જાણે દુકાળમાં કાળાં નાણાંનો વરસાદ
ઇન્કમ ડિક્લેરેશન સ્કીમ અમલમાં આવી ત્યારે અને પછી જુલાઇ મહિના સુધી તેને  કોઇ ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો આથી આઈટી વિભાગ પણ ચિંતામાં હતો. જોકે તાબડતોબ અવેરનેસના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા. મોટા પ્રમાણમાં ટેક્સ ભરનારા બિલ્ડર્સ, ટેક્સ્ટાઇલ અને ડાયમંડના ઉદ્યોગપતિઓ સાથે સેમિનાર કરાયા છતાં કંઇ ખાસ અસર ન થતાં વન-ટુ-વન બેઠકો કરવાનું  શરૃ કરાયુંં. બાદમાં વ્યક્તિગત ઈ-મેઇલ પણ કરવામાં આવ્યા, પરંતુ સુરતીઓ ખાસ કંઇ દાદ આપતા નહોતા. જોકે, સપ્ટેમ્બર માસની છેલ્લી તારીખ નજીક આવવા લાગી તેમ જાણે કાળું નાણું જાહેર કરવાની રીતસર હરીફાઇ થવા લાગી. જાણે દુકાળમાં કાળાં નાણાંનો વરસાદ થવા લાગ્યો.

You might also like