આવકવેરા વિભાગ દ્વારા રૂ.૫,૦૦૦ સુધીનો બાકી ટેક્સ માફ કરાય તેવી શક્યતા

મુંબઇ: આવકવેરા વિભાગ રૂ. ૫,૦૦૦ સુધીનો કરદાતાનો ટેક્સ બાકી હોય અને લાંબા સમય સુધી વિભાગમાં એક યા બીજા સ્વરૂપે અટવાયેલો હોય તો આવા કેસમાં બાકી ટેક્સ રકમ માફ કરે તેવી યોજના લાવવા ગંભીરતાથી વિચારી રહ્યું છે. આવકવેરા વિભાગ કેસની સંખ્યામાં ઘટાડો કરવાની સાથેસાથે બાકી કર વસૂલાત પાછળ થતાં ખર્ચમાં ઘટાડો કરવા માટે આ પ્રકારની કવાયત હાથ ધરી છે, જોકે વિભાગને આ પ્રકારની માફી યોજનાના કારણે એક અંદાજ મુજબ રૂ. ૬૦૦ કરોડનું નુકસાન થવાનો અંદાજ છે.

આવકવેરા વિભાગની દેશની જુદી જુદી શાખાઓમાં રૂ. પાંચ હજારથી ઓછી રકમની ટેક્સ બાકીના એક અંદાજ મુજબ ૪૦ લાખ કેસ પેન્ડિંગ છે. શરૂઆતમાં આવકવેરા વિભાગ એવા ૧૮ લાખ કરદાતાઓને માફી આપશે કે જેના સો રૂપિયાથી ઓછો આવકવેરો બાકી છે.

આવકવેરા વિભાગનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ વિભાગ ધીમે ધીમે બાકી ટેક્સ રકમનાં વર્ષોથી પેન્ડિંગ કેસોનો ટેક્સ માફ કરશે. સરકારની આ સ્કીમથી નાના કરદાતાઓને તેનો સીધો લાભ થશે, જેમાં નાના કરદાતાઓ કે જેઓ લાંબા સમયથી આવકવેરા વિભાગની કાયદાકીય પ્રક્રિયામાં અટવાયેલા છે તેઓને રાહત થશે.

You might also like