આવકવેરાના દર તર્કસંગત તથા સિસ્ટમ સરળ બનાવો

નવી દિલ્હી: સરકારે બજેટની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉદ્યોગ જગતના વિવિધ એસોસિયેશનના મત લેવામાં આવી રહ્યા છે ત્યારે ફિક્કીએ જણાવ્યું છે કે આવકવેરાના દર સરકારે તર્કસંગત રાખવા જોઇએ એટલું જ નહીં વેરાની પ્રક્રિયાને સરળ બનાવવી જોઇએ.

ફિક્કીએ વધુમાં જણાવ્યું હતું કે રિટર્ન ભરનારાઓને કોઇ મુશ્કેલી પડવી જોઇએ નહીં. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૭-૧૮નું સામાન્ય બજેટ ૧ ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે. નોટબંધી બાબતે ફિક્કીએ કહ્યું કે સરકારના નિર્ણયથી મોટી માત્રામાં રોકડ બહાર આવી છે અને બેન્કમાં જમા થઇ છે, જેના કારણે વ્યાજદરમાં ઘટાડો થશે. રિયલ્ટી સેક્ટરને તેનો સીધો લાભ થશે. નોટબંધીના કારણે ટૂંકા સમયગાળા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, પરંતુ લાંબા સમયગાળે દેશને તેનો સીધો લાભ થશે એટલું જ નહીં સરકારની ટેક્સની આવક પણ વધશે.

સરકાર કેશલેસ ઇકોનોમી ઉપર ભાર મૂકી રહી છે ત્યારે આ પ્રકારના નાણાકીય વ્યવહાર પણ લોકોએ વધારવા જોઇએ. ફિક્કીએ દેશના આર્થિક વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ઉપર ભાર મૂકવા સરકારને જણાવ્યું છે તથા જીડીપી ૭.૩ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું.

You might also like