ઇન્કમ ટેક્સની તાબડતોબ કાર્યવાહી : તમામ મેટ્રો શહેરોમાં દરોડાથી ફફડાટ

અમદાવાદ : ભારત સરકારની તરફથી 500 અને 1000ની નોટોને રદ્દ કરવામાં આવ્યા બાદ ઇન્કમ ટેક્સ વિભાગે દિલ્હી, મુંબઇ અને અમદાવાદ સહિતનાં ભારતનાં ઘણા મહાનગરોમાં દરોડા પાડ્યા હતા. ગુરૂવારે સાંજે ઇન્કમ ટેક્સ વિભાગ તે સમયે હરકતમાં આવ્યું જ્યારે સમાચાર આવ્યા કે જ્વેલર્સ અને હવાલા વેપારીઓ બજારમાં 40 ટકા ડિસ્કાઉન્ટથી નાણાનું રોકડમાં રૂપાંતર કરી આપી રહ્યા છે.

અમદાવાદનાં સોની વેપારીઓ પર આઇટીએ સપાટો બોલાવતા જોયાલુક્કાસ, કલ્યાણ જ્વેલર્સ અને ફોરેવર જ્વેલર્સને ત્યાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જ્વેલર્સનાં બે દિવસનાં તમામ હિસાબો અને શોરૂમનાં સીસીટીવી ફુટેજ કબ્જે કરીને લઇ ગયા હતા. જો કે આ અંગે કોઇ અધિકારીક નિવેદન બહાર આવ્યું નહોતું. તમામ કામગીરીને ગુપ્ત રાખવામાં આવતા સોની બજારમાં ભય અને ફફડાટની સાથે સાથે અફવાઓનું બજાર પણ ગરમ રહ્યું હતું.

આવકવેરા વિભાગે દિલ્હીના દરીબા કલા અને કરોલ બાગ જેવા વિસ્તારો ઉપરાંત, ચંડીગઢ, લુધયાણા અને જાલંધરમાં પણ સર્ચ ઓપરેશન ચલાવ્યા હતા. આઇટીની તરફથી દરોડા બાદ સમગ્ર સોની બજાર અને કાળાબજારીયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. હાલ તો ઇન્કમ ટેક્સ વિભાગ તેની ભાળ મેળવી રહ્યું છે કે રોકડ રકમ ક્યાં શિફ્ટ કરી છે અથવા તો તેઓ કઇ રીતે તે નાણાને વ્હાઇટ કરી રહ્યા છે.

આવક વિભાગનાં દરોડા બાદ વિવિધ અફવાઓ પણ ચાલુ થઇ ગઇ હતી. જેનાં પગલે દિલ્હીની સદર બજાર, દરીબા, કુચા મહાજી, કુચા ધાસી રામ અને કેટલીય મહત્વની સોની બજારો બંધ થઇ ગઇ હતી. આ બજારોમાં અફવા ફેલાઇ હતી કે રેવન્યૂ, ઇન્ટેલિજન્સ અને આઇટી સંયુક્ત રીતે મોટા દરોડા પાડી રહ્યા છે.

You might also like