ઇન્કમટેકસ અને અંજલિ ઓવરબ્રિજના ઊબડખાબડ સર્વિસ રોડથી લોકોમાં રોષ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક વર્ષથી આશ્રમરોડ પરના ઇન્કમટેકસ ચાર રસ્તા અને અંજલિ ચાર રસ્તા પાસે ફલાયઓવર બ્રિજ તૈયાર થઇ રહ્યા છે. આ બંને ફલાયઓવર બ્રિજનું કામકાજ સાવ કાચબા છાપ ગતિએ ચાલી રહ્યું છે એટલે ઓકટોબર ર૦૧૮ સુધી નિર્ધારીત સમયગાળા દરમ્યાન પૂર્ણ થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. પરંતુુ સત્તાવાળાઓએ બ્રિજના નિર્માણકાર્યમાં સંલગ્ન સર્વિસ રોડને વિસારે પાડી દીધા છે. મહિનાઓથી ઊબડખાબડ સર્વિસ રોડ હોઇ લોકોમાં રોષ ફેલાયો છે.

કોર્પોરેશનમાં સર્વોચ્ચ લેખાતી સ્ટેન્ડિંગ કમિટીમાં છેલ્લી છ સાત બેઠકમાં સભ્યને રોડ, પાણી, ગટરને લઇને તંત્ર સાથે માથાકુટ કરવી પડે છે. આમ તો સ્ટેન્ડિંગ કમિટીમાં નીતિ વિષયક બાબતોની ચર્ચા થવી જોઇએ પરંતુ તૂટેલા રસ્તા, દૂષિત પાણી, ઊભરાતી ગટરોની ચર્ચા જ થતી હોઇ ખુદ ચેરમેન પ્રવીણ પટેલને અધિકારીઓ સમક્ષ ‘ભેંસ આગળ ભાગવત’ થતી હોય તેવો રોષ ઠાલવવો પડ્યો છે.

પાલડીના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગના સભ્ય ડો. સુજોય મહેતા ઇન્કમટેકસ અને અંજલિ ફલાયઓવર બ્રિજના સર્વિસ રોડની બદતર હાલત અંગે લાંબા સમયથી સંબંધિત અધિકારીઓને ‘ઝીરો અવર’ દરમ્યાન ઉગ્ર રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ હજુ સુધી પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગના પેટનું પાણી પણ હાલતું નથી.

બીજી તરફ શહેરમાં ફરતા ‘નર્મદા રથ’ના રૂટ પરના રસ્તા પર કોઇ ખાડા ટેકરા નડે નહીં તે માટે જે તે ઝોનનો ઇજનેર વિભાગ દોડધામ કરી રહ્યો છે. આગામી તા.૧૩અને ૧૪ સપ્ટેમ્બરે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શહેરની મુલાકાતે આવી રહ્યા છે. આ મહાનુભાવોની મહેમાન નવાજી માટે મ્યુનિ. સત્તાવાળાઓ, દિવસ રાત એક કરી રહ્યા છે. દરરોજ ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મુખ્ય સચિવને તંત્રની તૈયારીને લગતો રિપોર્ટ મોકલાવાઇ રહ્યો છે.

વીવીઆઇપી મહેમાન હોઇ તેમનો કાફલો પસાર થવાના રૂટને ચકાચક કરાઇ રહ્યો છે. રૂટ પર ધ્યાનાકર્ષક લાઇટિંગ થવાની છે. આ તમામની પાછળ અશરે રૂ.૧પ કરોડ ખર્ચાશે. બીજી તરફ સત્તાધીશો તૂટેલા સર્વિસ રોડથી બેહાલ નાગરિકો સામે આળસ સેવી રહ્યા છે.

You might also like