ઈન્કમટેક્સ, અંજલી ચાર રસ્તા ઉપર ફલાય ઓવરબ્રિજ બનશે

અમદાવાદ: શહેરના હાર્દ સમાન આશ્રમરોડ ઉપર દિન-પ્રતિદિન વધતા જતા વાહનોના ભારણના કારણે ટ્રાફિકની સમસ્યાના નિવારણરૂપે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઈન્કમટેક્સ ચાર રસ્તા અને અંજલી ચાર રસ્તા ખાતે આશ્રમરોડને સમાંતર ફ્લાય ઓવરબ્રિજના નિર્માણનાં ચક્રો ગતિમાન કરાયાં છે.

મ્યુનિ. કમિશનર ડી. થારાના ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭ના ડ્રાફટ બજેટમાં શહેરીજનો માટે પશ્ચિમ વિસ્તારમાં આ બે નવા ફલાય ઓવરબ્રિજના પ્રોજેક્ટનો સમાવેશ કરાયો છે બંને બ્રિજ પાછળ રૂ. ૧૪૬ કરોડનો ખર્ચ થશે. હાલમાં શહેરમાં ૧૯ રેલવે ઓવરબ્રિજ, ૭ રીવરબ્રિજ, ૩ માઇનોર બ્રિજ, ૧૦ ફલાય ઓવરબ્રિજ, ૧૦ રેલવે અન્ડરબ્રિજ સહિત કુલ ૪૯ બ્રિજની સુવિધા તંત્ર દ્વારા ઊભી કરાઇ છે. આ ઉપરાંત રાણીપ, હાટકેશ્વર અને દિનેશ ચેમ્બર-બાપુનગર ખાતે બ્રિજની કામગીરી ચાલુ છે.

ઇન્કમટેક્સ જંક્શન ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની મશહૂર પ્રતિમા સ્થાપિત કરાઇ છે. બાપુની આ પ્રતિમા શહેરમાં થયેલાં અનેક આંદોલનની સાક્ષી બની ચૂકી છે. પરંતુ ઇન્કમટેક્સ જંક્શન ઉપર આશ્રમરોડને સમાંતર ફલાય ઓવરબ્રિજ બનાવતી વખતે ગાંધીજીની પ્રતિમાને આંચ પણ નહીં આવે! કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટના એડિશનલ સિટી ઇજનેર હિતેશ કોન્ટ્રાક્ટર કહે છે કે, “સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન પૂજ્ય બાપુની પ્રતિમા પૂર્ણપણે સુર‌િક્ષત રહેશે. અગાઉથી જ સ્ટીલ સ્ટ્રક્ચરના ગડર તૈયાર કરીને પ્રતિમાની આસપાસના પીલરની ઉપર સીધા મૂકી દેવાશે એટલે પ્રતિમાને કોઇ નુકસાન નહીં થાય.”

વાસણા તરફ અંજલી ચાર રસ્તા જંક્શનના ૩૦૦ મીટર પહેલાં ફલાય ઓવરબ્રિજની શરૂઆત થશે, જે અંજલી ચાર રસ્તા, પાલડી-ભઠ્ઠા અને ફતેપુરા જંક્શન થઇને પાલડી તરફ ઊતરશે. આશરે ૧.ર કિ.મી. લાંબો ચાર લેનનો બ્રિજ આશરે ૮૬.૪૬ કરોડના ખર્ચે તૈયાર કરાશે, જે લગભગ મે-ર૦૧૮ સુધીમાં ધમધમતો થઇ જશે.

ઇન્કમટેક્સ ચાર રસ્તા ઉપર આશરે ૮૦૦ મીટર લંબાઇનો અને ૧૯.પ૦ મીટર પહોળો ચાર લેનનો ફલાય ઓવરબ્રિજ આશરે રૂ.પ૯.૬૦ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ બ્રિજ પણ બે વર્ષમાં એટલે કે મે-ર૦૧૮ સુધીમાં તૈયાર થઇ જશે.
કમિશનર ડી. થારાના ડ્રાફ્ટ બજેટમાં અંજલી ચાર રસ્તા ઉપર ૬૦૦ મીટર લંબાઇનો બ્રિજ આશરે રૂ.પ૦ કરોડના ખર્ચે બનાવવાનો ઠરાવ મુકાયો છે, પરંતુ હવે બમણી લંબાઇનો બ્રિજ બનવાનો છે.

You might also like