જેએનયુ દેખાવોને હાફિઝ સઈદનો ટેકોઃ રાજનાથ

અલાહાબાદ : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે દાવો કર્યો હતો કે જેએનયુ વિવાદને આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાના સ્થાપક હાફિઝ સઈદનું સમર્થન હતું અને દેશના લોકોએ પણ આ વાત સમજવી જોઈએ. આ પ્રકારના દેખાવોને રાજકીય નફા-નુકસાનની નજરથી ન જોવા તેમણે રાજકીય પક્ષોને અનુરોધ કર્યો હતો. સીપીએમના મહામંત્રી સીતારામ યેચૂરીએ જણાવ્યું હતું કે ગૃહમંત્રીએ ‘ગંભીર આક્ષેપ’ કર્યો છે અને તેના પુરાવા તેમણે રજૂ કરવા જોઈએ.

રાજનાથે જણાવ્યું કે જેએનયુની ઘટનાને હાફિઝ સઈદનું સમર્થન પ્રાપ્ત હતું. આ એવું સત્ય છે જેને દેશવાસીઓએ સમજવું જોઈએ. જે કાંઈ થયું છે તે ખૂબ કમનસીબ છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે દેશના સાર્વભૌમત્ત્વ અને અખંડિતતા વિશે પ્રશ્નો ઊભા થાય તેવું કશું કરવું જોઈએ નહીં. આવા પ્રસંગે સમગ્ર દેશે એક સૂરમાં બોલવું જોઈએ. તેમણે ઉમેર્યું કે, ‘હું તમામ રાજકીય પક્ષોને અપીલ કરું છું કે તેઓ આવી ઘટનાઓને રાજકીય નફા નુકસાની નજરે જોવે નહીં.

જેએનયુ ઘટનાની તપાસ વિશે તેમણે કહ્યું કે, સંબંધિત અધિકારીઓને જરૃરી આદેશો આપી દેવાયા છે. મેં એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે જે દોષી જણાય તેના પર કાર્યવાહી થવી જોઈએ. પરંતુ જે દોષી નથી તેને કોઈપણ રીતે પરેસાન કરવા જોઈએ નહીં. જેએનયુના વિદ્યાર્થીસંઘના અધ્યક્ષ કનૈયાકુમારની ધરપકડ અને તેને ફસાવાયો હોવાના આરોપો વિશે રાજનાથે જણાવ્યું, ‘આપણે કોઈપણ અવરોધ વિના તપાસ ચાલવા દેવી જોઈએ. પોલીસે કોઈક પૂરાવાના આધારે જ કાર્યવાહી કરી હશે.’

દરમ્યાન સીપીએમના મહામંત્રી સીતારામ યેચૂરીએ જણાવ્યું હતું કે ગૃહમંત્રીએ ગંભીર આક્ષેપ કર્યો છે અને તેમના આક્ષેપના સમર્થનના પૂરાવા તેમણે દેશ સમક્ષ રજૂ કરવા જોઈએ. તેમણે ઉમેર્યું કે પુરાવા હોય તો તે મુજબ કાર્યવાહી કરવી જોઈએ. સીપીઆઈના નેતા ડી રાજાએ પણ પૂરાવા જાહેર કરવા અનુરોધ કર્યો હતો. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પર આ ગંભીર પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેના પૂરાવા જાહેર કરવા જ જોઈએ.

અત્રેની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં થયેલી ભારત-વિરોધી પ્રવૃત્તિઓ અંગેનો વિવાદ દરરોજ વધતો જાય છે. દેશદ્રોહના આરોપ હેઠળ જેએનયૂના વિદ્યાર્થી સંઘના પ્રમુખ કન્હૈયા કુમારની ધરપકડ કરાયા બાદ અનેક રાજકીય પક્ષોના નેતાઓએ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે એમ કહીને આ વિવાદને આંતરરાષ્ટ્રીય સ્વરૃપ આપી દીધું હતું કે જેએનયૂ કેમ્પસમાં રાષ્ટ્ર-વિરોધી નારા લગાવવામાં આવ્યા તેમાં પાકિસ્તાનના ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તોઈબાના વડા હાફીઝ સઈદનો હાથ છે.

રાજનાથ સિંહે પત્રકારોને કહ્યું કે રાષ્ટ્ર-વિરોધી પ્રવૃત્તિ સાંખી લેવામાં નહીં આવે અને આમાં જે કોઈ સંડોવાયેલા હશે એમને છોડવામાં નહીં આવે. હું એ સ્પષ્ટ કરી દેવા માગું છું કે જેએનયૂની ઘટનાને હાફીઝ સઈદનો ટેકો છે. આપણે એ વાસ્તવિકતાને પણ સમજવી જોઈએ કે હાફીઝ સઈદે આ ઘટનાને ટેકો આપ્યો છે અને આ બાબત ખૂબ જ કમનસીબ કહેવાય. મારી સરકાર દેશની એકતા વિરુદ્ઘ નારા લગાવનાર કોઈને પણ માફ નહીં કરે, એમ રાજનાથે વધુમાં કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગઈ ૯ ફેબ્રુઆરીએ કેટલાક વિદ્યાર્થીઓએ જેએનયૂ કેમ્પસમાં ત્રાસવાદી અફઝલ ગુરુનો ફાંસી દિવસ મનાવવા એક કાર્યક્રમ યોજયો હતો અને એમાં અફઝલ ગુરુ, મકબૂલ ભટ્ટના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા. જવાહરલાલ નહેરૃ યૂનિવર્સિટી (જેએનયૂ)ના વિવાદ પર રાજકીય હિલચાલો ચાલતી રહી. માકર્સવાદી પાર્ટીના મહામંત્રી સીતારામ યેચુરીએ અટકમાં લેવાયેલા વિધાર્થીઓની મુકિતની માંગણી સાથે ગૃહમંત્રી રાજનાથસિંહની મુલાકાત કરી હતી.

જ્યારે ડી. રાજાને ધમકી ભર્યો ફોન આવ્યો હોવાનો દાવો કર્યો હતો. રાજા પ્રમાણે ફોન પર તેમની પુત્રીની હત્યાની ધમકી આપવામાં આવી હતી. શનિવારે કોંગ્રેસી નેતા આનંદ શર્મા પર હુમલો થયો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. સામ્યવાદી પક્ષના નેતા ડી.રાજાએ આક્ષેપ કર્યા છે કે શુક્રવારે રાતે કોઇ હિન્દીભાષીએ તેમને ફોન કરીને કહ્યું હતું કે તેઓ ભાજપ અને એબીવીપીની સામે શા માટે પડ્યા છે.ફોન કરનારે એમ પણ કહ્યું કે તેમની પુત્રી જે જેએનયૂ હોસ્ટેલમાં રહે છે તેને ગોળી મારી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ટ્વિટ થયેલી તસવીરોમાં ડી.રાજાની પુત્રી ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરતી જોવા મળે હતી. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જેએનયુમાં દેશ વિરોધી સૂત્રોચ્ચારની તપાસ ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટને સોંપી છે. કેજરીવાલે દાવો કર્યેા હતો કે, વાસ્તવમાં એબીવીપી દ્રારા પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કર્યા હોવાની તેમને માહિતી મળી છે. કેજરીવાલે ડાબેરી નેતાઓ સાથે મુલાકાત પણ કરી હતી.

જેમાં ડાબેરી નેતાઓએ તપાસની માંગ કરી હતી. કેજરીવાલે આરોપ મુકયો હતો કે, દિલ્હી પોલીસનો ઉપયોગ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષ ઉપર ત્રાસ કરવાનું કામ કરી રહ્યાં છે.દિલ્હી પોલીસે જેએનયૂ ઘટનાનો તપાસ અહેવાલ ગૃહમંત્રાલયને સોંપી દીધો છે. કહેવાય છે કે અહેવાલમાં પોલીસે જણાવ્યું કે ૯ ફેબ્રુઆરીએ જેએનયૂમાં જે કાર્યક્રમ યોજાયો તેમાં ૯૦ વિધાર્થીઓના એક સમૂહનું નેતૃત્વ વિદ્યાર્થી સંઘના નેતા કન્હૈયાએ કર્યું હતું. અહેવાલમાં ૧૪ વિદ્યાર્થીઓને આરોપી કહેવામાં આવ્યા છે.

શનિવાર સાંજે જેએનયૂ પહોંચેલા કોંગ્રેસી નેતા આનંદ શર્મા પર અમુક લોકોએ હુમલો કર્યો હતો. એક હુમલાખોરે તેમના કાન પર વારંવાર પ્રહાર કર્યો હતો, જેને કારણે લોહી નીકળ્યું હતું. જેએનયૂ સ્ટૂડેન્ટ સંઘે આ ઘટના બાદ નિવેદન જાહેર કરી એબીવીપીના કાર્યકરોની હુમલામાં સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. આ મામલે આનદં શર્માએ એબીવીપીના અજ્ઞાત કાર્યકરો વિરુદ્ઘ હુમલાની ફરિયાદ નોંધાવી હતી.

You might also like