ફેસબુક પર ‘મોગલ મા’ પર અભદ્ર ટિપ્પણીઃ સાયબર ક્રાઈમમાં ફરિયાદ

અમદાવાદ: ચારણ ગઢવી સમાજ સહિત લાખો લોકોને જેમાં અતૂટ શ્રદ્ધા છે તેવા માતાજી આઈશ્રી મોગલ વિશે ફેસબુક ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર શખસો વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફેસબુક પર આઈ મોગલ વિશે ટિપ્પણી કરાતાં ચારણ સમાજ સહિત હિંદુ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી.

ફેસબુકમાં અપના અડ્ડા નામના ગ્રૂપમાં મનીષ મંજુલાબહેન ભારતીય, સદ્દામ મલિક, રાહુલ રવન સહિતની વ્યક્તિઓએ ચારણ ગઢવી સમાજના માતાજી આઈ મોગલ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. ટિપ્પણી કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહીની માગને પગલે ચારણ સમાજ તેમજ અન્ય સમાજના લોકોએ અલગ અલગ જિલ્લામાં આવેદનપત્રો આપી ટિપ્પણી કરનારા લોકોને પકડવા માગ કરી હતી.

ગઇ કાલે આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફેસબુકમાં અપના અડ્ડા નામના ગ્રૂપમાં ચારણ સમાજના માતાજી આઈ મોગલ વિશે કેટલાંક અસામાજિક તત્ત્વોએ અભદ્ર કોમેન્ટ કરી હતી. ચારણ સમાજની લાગણી દુભાય તેવી ટિપ્પણીને લઇ ગઈ કાલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જેમાં અભદ્ર અને લાગણી દુભાય તેવી કોમેન્ટ કરનાર વ્યક્તિઓને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં આઈ મોગલ વિશે અભદ્ર ટિપ્પણીઓને લઇ ભારે ચર્ચાની વિષય બન્યો છે. ચારણ ગઢવી સમાજના કીર્તિદાન ગઢવી, આદિત્ય ગઢવી, રાજભા ગઢવી, જિજ્ઞેશ કવિરાજ, ગીતાબહેન રબારી સહિતના કલાકારો પણ સોશિયલ મીડિયામાં વીડિયોના માધ્યમથી રોષ વ્યક્ત કરી આવા તત્ત્વોની સામેે કાર્યવાહી કરવા અપીલ કરી છે.

ફેસબુક પર વિવાદ અને ભારે રોષની લાગણી ફેલાતાં મનીષ મંજુલાબહેન ભારતીય અને અન્ય લોકોએ પોતાના ફેસબુક એકાઉન્ટ પણ ડીલિટ કરી દીધાં હોવાનું જાણવા મળ્યું છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે હાલમાં ફરિયાદ નોંધી આ અંગે તપાસ શરૂ કરી છે.

You might also like