દેશની સરકારી બેન્કોનાં ૮.૬૮ કરોડ નિષ્ક્રિય ખાતાં

મુંબઇ: એક બાજુ બેન્કોમાં એનપીએ વધી રહી છે. બેન્ક ડિફોલ્ટરોના કરોડો રૂપિયા પાછા આવે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે તો બીજી બાજુ દેશની જાહેર ક્ષેત્રની બેન્કોમાં નિષ્ક્રિય ખાતાંમાં કરોડો રૂપિયા જમા પડ્યા છે.

જાહેર ક્ષેત્રની ૧૩ બેન્કોના દેશ-વિદેશના ૮ કરોડ ૬૮ લાખ ૪૯ હજાર નિષ્ક્રિય ખાતામાં ૨૮ હજાર કરોડથી પણ વધુ રૂપિયા પાંચ કરતાં વધુ વર્ષથી જમા પડ્યા છે. આ નાણાં એસબીઆઇ, યુકો બેન્ક, સેન્ટ્રલ બેન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, ઓરિયન્ટલ બેન્ક ઓફ કોમર્સ, સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ,
આંધ્ર બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ પતિયાલા, સિન્ડિકેટ બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બેન્ક ઓફ મૈસૂરના નિષ્ક્રિય ખાતાંમાં પડેલાં છે.

સૌથી વધુ ૩ કરોડ ૯૦ લાખ જેટલા એસબીઆઇના નિષ્ક્રિય ખાતાં છે. આ ખાતામાં ૧૭,૮૮૭.૮૫ કરોડ રૂપિયા જમા પડ્યા છે. આ સિવાય બેન્કનાં ૪૧,૧૬૧ લોકર પાછલાં પાંચ વર્ષથી નિષ્ક્રિય છે. સેન્ટ્રલ બેન્કનાં ૧ કરોડ ૨૧ લાખ ખાતાંમાં ૨,૦૭૫ કરોડ રૂપિયા અને સિન્ડિકેટ બેન્કમાં ૮૨ લાખ ૨૪ હજાર ખાતાંમાં એક હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ જમા પડી છે.
લોકરના મામલે ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાં સૌથી વધુ ૪૩ હજાર લોકર પાછલાં પાંચ વર્ષથી ખોલવામાં આવ્યાં નથી.

You might also like