વારાણસીમાં PM મોદીને સપાનાં મહિલા ઉમેદવાર શાલિની યાદવ ટક્કર આપશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ગઠબંધને વારાણસી લોકસભાની બેઠક પર પોતાના ઉમેદવારનાં નામની જાહેરાત કરી દીધી છે. વારાણસીની બેઠક પર પીએમ મોદી વિરુદ્ધ શાલિની યાદવ મેદાનમાં ઊતરશે.

આ અગાઉ શાલિની યાદવ કોંગ્રેસમાં હતાં અને તેમણે પક્ષાંતર કરીને હવે સમાજવાદી પાર્ટી જોઈન્ટ કરી છે. વારાણસીની આ બેઠક ગઠબંધનમાં સમાજવાદી પાર્ટીના ફાળે ગઈ છે. આ સંજોગોમાં સમાજવાદી પાર્ટી પીએમ મોદી વિરુદ્ધ ટક્કર આપનાર કોઈ ઉમેદવારનું નામ નક્કી કરી શકતી ન હતી અને છેવટે સપાને પોતાના પક્ષમાં કોઈ નેતા નહીં મળતાં તેમણે પૂર્વ કોંગ્રેસી શાલિની યાદવને પક્ષમાં સામેલ કરી દીધાં હતાં અને શાલિની યાદવને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીની બેઠક પર ચૂંટણી જંગમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.

વારાણસી લોકસભાની બેઠક ૨૦૧૪ બાદ સૌથી વીઆઈપી બેઠક બની ગઈ છે. અહીં જો કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી મેદાનમાં ઊતરશે નહીં તો આ બેઠક માટેનો જંગ મોદી માટે વધુ સરળ બની જશે. શાલિની યાદવના બેકગ્રાઉન્ડની વાત કરીએ તો કોંગ્રેસ સાથે તેમને જૂનો સંબંધ છે. શાલિની યાદવ આ અગાઉ વારાણસીના મેયર તરીકે પણ રહી ચૂક્યાં છે.

નરેન્દ્ર મોદીનાં આગમન પહેલાં વારાણસીથી ૨૦૦૯ની ચૂંટણી ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મુરલી મનોહર જોશી લડ્યા હતા અને વિજયી થયા હતા. ૨૦૧૪માં પણ મુરલી જોશી અહીં ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ મોદીના કારણે આ બેઠક છોડવી પડી હતી. ૧૯૫૨માં વારાણસીથી કોંગ્રેસના ઉમેદવાર રઘુનાથસિંહનો વિજય થયો હતો અને તેઓ ૧૯૬૨ સુધી સતત ત્રણ વખત વિજયી રહ્યા હતા. ૧૯૬૭ની ચૂંટણીમાં સત્યનારાયણ સિંહ કોમ્યુનિસ્ટ પાર્ટીની ટિકિટ પર લડ્યા હતા અને તેમનો ત્યાંથી વિજય થયો હતો.

૨૦૧૪માં વારાણસીની બેઠક પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વચ્ચે મુકાબલો હતો. મોદીએ કેજરીવાલને ૩,૭૧,૭૮૪ મતથી હાર આપી હતી. વારાણસીમાં ૮૫ ટકા વસ્તી હિંદુઓની છે અને ૧૫ ટકા મુસ્લિમ સમુદાયના લોકો વસે છે.

You might also like