યુઅેસમાં ભારતીય મૂળના મુસ્લિમની દુકાન પર સૂત્ર લખી નફરત ફેલાવી

લોસ એન્જેલસ: અમેરિકામાં ભારતીયોને નિશાન બનાવવાનો સિલસિલો જારી છે. તાજેતરમાં ભારતીય મૂળના એક મુસ્લિમની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. હુમલાખોરોએ દુકાનની દીવાલો પર સ્પ્રે પેઈન્ટથી ‘ગો હોમ ઈન્ડિયન’ એવા શબ્દો લખ્યા હતા. આ ઉપરાંત ‘આઈ વિલ કિલ યુ’ એવા મેસેજ પણ લખ્યા હતા. આ ઘટના નેવાદના પેહરંપની છે.

પીડિત ૬૦ વર્ષના ડો. વકાર વીક અહમદની અહીં ઓટો સ્પેરપાર્ટસની દુકાન છે. ન્યુ કાઉન્ટી શેરિફ કાર્યાલયના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ દુકાનની દીવાલ પર વકારના ધર્મના લઈને વાંધાજનક મેસેજ લખ્યા હતા. હજુ સુધી કોઈ શકમંદની ઓળખ થઈ શકી નથી. કાઉન્ટીના પાંચ તપાસ અધિકારીઓની ટીમ હેઈટ ક્રાઈમ હેઠળ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

હેઈટ ક્રાઈમનું સમર્થન મળ્યા બાદ આ ઘટના એફબીઆઈને સોંપવામાં આવી શકે છે. કેટીએનવી ટીવીના જણાવ્યા અનુસાર ન્યુ કાઉન્ટીના શેરીફ શેરોન વેહર્લીએ જણાવ્યું છે કે આ પ્રકારની ઘટના રોકવાના તમામ પ્રયાસો કરવામાં આવશે. વકાર અહેમદે જણાવ્યું હતું કે થોડા સમય પહેલા એક શખસે તેમને દેશ પરત ચાલ્યા જવાની ધમકી આપી હતી. એક મહિના અગાઉ તેમને ધમકી આપતો ફોન પણ મળ્યો હતો. આ અંગે તેમણે ફરિયાદ કરી છે.

You might also like